રાજકોટની ભાગોળે કુવાડવાના વાછકપર બેડી ગામની સરકારી સ્કૂલના શિક્ષકે સ્કૂલની જ સગીરવયની વિદ્યાર્થિનીઓ સાથે બીભત્સ હરકત કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવતા શિક્ષણ જગતમાં સોપો પડી ગયો હતો. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપી શિક્ષકની શોધખોળ શરૂ કરી હતી. વાછકપર બેડી ગામમાં આવેલી સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો કમલેશ અમૃતિયા શિક્ષણ જગત માટે લાંછનરૂપ છે.
આ નરાધમ બે વર્ષથી શાળાની સગીરવયની વિદ્યાર્થિનીઓ સાથે બીભત્સ હરકતો કરતો હોવાના રોષ સાથે સોમવારે વાછકપર બેડીના ગ્રામજનો કુવાડવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પોલીસે આ શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીના પિતાની ફરિયાદ પરથી શિક્ષક કમલેશ અમૃતિયા સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પીઆઇ રોજિયાએ જણાવ્યું હતું કે, શિક્ષક કમલેશ અમૃતિયાના કરતૂતોની જાણ થતાં જ પોલીસની એક ટીમ શાળાએ પહોંચી હતી તો બીજી ટીમ રાજકોટના અયોધ્યા ચોક નજીક આવેલા તેના ઘરે દોડી ગઇ હતી. જોકે કમલેશ અમૃતિયાને અગાઉથી ગંધ આવી જતાં તે ફરાર થઇ ગયો હતો. કમલેશની પત્ની વાછકપર બેડી ગામની આ શાળામાં પ્રિન્સિપાલ છે અને એ જ સ્કૂલમાં શિક્ષક કમલેશ આવા ગોરખધંધા કરતો હતો. પોલીસે અલગ અલગ દિશામાં ટીમો દોડાવી કમલેશને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.