રાજ્ય સરકારની કોઇપણ કચેરીમાં જોડાનાર કાયમી કર્મચારીઓ અને અધિકારીઓને એનપીએસ અને PRAN નંબર માટે ભારે હેરાનગતિ ભોગવવી પડતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રાજ્યની અલગ-અલગ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને નેશનલ પેન્શન સિસ્ટમ ખાતા માટે અને કાયમી નિવૃત્તિ ખાતા નંબર (PRAN) માટે ગાંધીનગરમાં જીવરાજ મહેતા ભવનમાં પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડની કચેરીના ધક્કા ખાવા પડતા હોવાથી ભારે નારાજગી પ્રવર્તી રહી છે.
રાજ્ય સરકારની સેવામાં જોડાનાર કર્મચારીઓને નિવૃત્તિ બાદના લાભો માટે નેશનલ પેન્શન સિસ્ટમ ખાતા નંબર લેવાનો હોય છે અને તે મળ્યા બાદ તેમને એક 12 આંકડાનો કાયમી નિવૃત્તિ ખાતા નંબર પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ કચેરીમાં ફાળવવામાં આવે છે.
એનપીએસ નંબર માટે અરજદારે અરજી કર્યા બાદ તેમના કાયમી નિવૃત્તિ ખાતા નંબર માટે ફાઇલ જીવરાજ મહેતા ભવનમાં સેક્ટર નંબર-12માં આવેલી ડિરેક્ટોરેટ પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ વિભાગમાં જાય છે અને ત્યાં તેમના કાયમી નિવૃત્તિ ખાતા નંબર (PRAN) જનરેટ થાય છે, પરંતુ આ નંબર ઇસ્યૂ કરવામાં પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ વિભાગની કચેરી દ્વારા ખૂબ જ મોડું કરાતું હોવાની રાવ ઊઠી છે.