જનતાના પૈસા અને સુવિધાઓનો કઈ રીતે દુર્વ્યય થાય છે તેનું એક ઉદાહરણ રાજકોટમાં જોવા મળ્યું છે. જેમાં રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયા આજે અરજીના કામે જિલ્લા સેવા સદન-3 ખાતે આવેલા ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનની ઓફિસે પહોંચ્યા હતા. પરંતુ કામકાજના સમય દરમિયાન જ આ ઓફિસને તાળું મારેલું જોવા મળ્યું હતું. ફક્ત એટલું જ નહીં અંદરની લાઈટ-પંખા ચાલુ રાખવામાં આવ્યા હતા. જેને લઈ પારસ બેડિયાએ જણાવ્યું હતું કે, સરકારી કચેરીના કર્મચારીઓ ઓફિસ સમય દરમિયાન ગેરહાજર રહીને એક તરફ પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે, તો બીજી તરફ જનતાના પૈસે વીજળીનો બગાડ કરી રહ્યા છે.
આવી ઘટનાઓથી અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગરમીમાં ઊભા રહીને અરજદારોને ધક્કા ખાવા પડે છે અને તેમના કામો અટકી પડે છે. આ બાબત એ સાબિત કરે છે કે, સરકારી કચેરીઓમાં લોકોની સુવિધા કરતાં કર્મચારીઓની બેદરકારી વધુ છે. બેડિયાએ આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોર્યું છે અને આ વીડિયોને વધુમાં વધુ શેર કરીને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી.