રાજકોટમાં TRP ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં 28 લોકોના મૃત્યુ થયા બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે અને ફાયર NOC ન હોય તેવા 8 ગેમ ઝોન સંચાલકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં રાજકોટના વર્ષો જુના અને પ્રખ્યાત ક્રિષ્ના વોટર પાર્ક તેમજ ફન બ્લાસ્ટ સહીત 8 ગેમ ઝોન સંચાલકો સામે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઇપીસી કલમ 336 અને જી.પી.એક્ટ કલમ 131(1) મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે તમામ કલેક્ટરોને એનઓસી વિનાના ધાર્મિક, શૈક્ષણિક અને મનોરંજન સ્થળો સામે પોલીસ ફરિયાદ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
ગત 25 મે, 2024ના રોજ થયેલા અગ્નિકાંડ બાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારને ફાયર NOC મામલે તપાસ કરવા ટકોર કર્યા બાદ રાજકોટનું તંત્ર સફાળું જાગ્યું હતું અને રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં ચાલતા ગેમ ઝોનમાં તપાસ કરી 8 ગેમઝોનના સંચાલકો સામે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઇપીસી કલમ 336 અને જી.પી. એક્ટ કલમ 131(1) મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એટલે કે જે કોઈ વ્યક્તિ માનવ જીવન અથવા અન્યની વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકે તેટલું ઉતાવળથી અથવા બેદરકારીપૂર્વક કોઈપણ કૃત્ય કરે છે તેની સામે ફરિયાદ કરવામાં આવેલ છે.