સયાજી હોટલ ખાતે ઢોલ-નગારા અને પરંપરાગત ગરબા સાથે સ્વાગત, ક્રિકેટરોની ઝલક નિહાળવા લોકો ઉમટ્યા

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 14મી જાન્યુઆરીએ રમાનારી વનડે શ્રેણીના બીજા મુકાબલા માટે આજે બંને ટીમો રાજકોટ ખાતે આવી પહોંચી હતી. જેમાં ન્યુઝીલેન્ડની ટીમ ખાનગી હોટલ અને ભારતીય ક્રિકેટ ટીમ સયાજી હોટલ પહોંચી હતી. ભારતીય ક્રિકેટરો આવવાના હોવાથી હોટલ બહાર મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડયા હતા. ભારતીય ટીમના ખેલાડીઓનું સયાજી હોટલ ખાતે ઢોલ-નગારા અને પરંપરાગત રાસ-ગરબા સાથે સ્વાગત કરાયું હતું. જોકે આ દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આવતીકાલે બંને ટીમો નેટ પ્રેક્ટિસ કરશે. અને બુધવારે ઉત્તરાયણનાં પર્વે વનડે મુકાબલો જામશે.

રાજકોટ સંપૂર્ણપણે ક્રિકેટમય બની ગયું છે. વડોદરામાં રમાયેલી પ્રથમ વનડેમાં શાનદાર જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ અને પ્રવાસી ન્યૂઝીલેન્ડની ટીમ આજે ખાસ વિમાન મારફતે રાજકોટ આવી પહોંચી હતી. આ વખતે રાજકોટમાં બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિના પવિત્ર તહેવાર પર આ મેચ રમાવાની છે. ઉતરાયણના પર્વ સાથે ક્રિકેટના રોમાંચનો સમન્વય થતા રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લાંબા સમય બાદ વિરાટ કોહલી અને રોહિત શર્મા રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં મેદાન પર ઉતરવાના હોવાથી ચાહકોની ખુશીનો પાર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *