જસદણ તાલુકાના નવા જસાપર ગામે બાઈક સામસામા અથડાવાથી થયેલા નુકસાનના સમાધાન માટે બોલાવી છરી ધોકાથી હુમલો કરી બે યુવકની હત્યા અને એકને ગંભીર ઇજા કર્યાના આઠ વર્ષ પહેલાના કેસમાં રાજકોટ સેશન્સ અદાલત દ્વારા આરોપી પિતા-પુત્રને આજીવન કેદ તથા માતાને 3 વર્ષની સજા તેમજ ભોગ બનનારને કુલ રૂા. 11 લાખ કંમ્પન્સેશન ચુકવવાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે.
હરેશભાઈ શીવાભાઈ વસાણીએ તા.08/ 05/ 2017ના રોજ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે જીતેન્દ્રગીરી ગણપતગીરી ગોસાઈનું મોટર સાઇકલ અને મૃતક વિમલભાઈનું મોટર સાઇકલ સામસામે ભટકાતા જીતેન્દ્રગીરીના બાઇકમાં સામાન્ય નુકશાન થયું હતું. આથી જીતેન્દ્રગીરીએ ઉશ્કેરાઈ જઈ વિમલના મોટર સાઇકલ ઉપર ઘા મારી નુકશાન કરી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે વિમલે હરેશભાઇ વસાણીને ફોનથી વાત કરી હતી
અને બન્ને વિમલ સાથે સમાધાન કરવા જીતેન્દ્રગીરીના ઘર પાસે ગયા હતા અને ત્યાં ઉભેલા જીતેન્દ્રગીરીના પિતા ગણપતગીરી ગોસાઈ અને માતા લાભુબેન સાથે સમાધાનની વાતચીત ચાલુ હતી ત્યારે જીતેન્દ્રગીરી ઘરમાંથી છરી લઈને આવ્યો હતો એ વિમલને પેટમાં આડેધડ ઘા મારી દીધા હતા એવામાં ગામના આગેવાન ગોવિંદભાઈ ભાયાણી અને તેમના પુત્ર લાલજીભાઈ ભાયાણી પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને છોડાવવા વચ્ચે પડ્યા તો ગોવિંદભાઈને લાભુબેને ધોકો ઝીંકી દીધો હતો
અને જ્યારે જીતેન્દ્રએ લાલજીને પણ છરી મારી દીધી હતી. આથી તમામને જસદણ દવાખાને રીફર કરવામાં આવ્યા હતા અને ફરજ પરના તબીબોએ બન્નેને મૃત જાહેર કર્યા હતા. મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે જીતેન્દ્રગીરી ગણપતગીરી, ગણપતગીરી ગજરાજગીરી તથા લાભુબેન ગણપતગીરી ગોસાઈ સામે હત્યા અને જીવલેણ હુમલા મુજબ ગુનો નોંધી ત્રણેની અટકાયત કરી હતી અને આ કેસ રાજકોટની સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો જેમાં રાજકોટના ધીરજકુમાર એસ. પીપળીયાને સ્પે. પબ્લીક પ્રોસીક્યુટર તરીકે નીમવામાં આવ્યા હતા.