સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓએ છેલ્લા બે મહિનામાં ભગવાન શિવ, કૃષ્ણ અને અન્ય દેવી દેવતાઓ સંદર્ભે કરેલા વાણીવિલાસ બાદ હવે સનાતની સાધુ-સંતો મેદાને આવ્યા છે. આર્જેન્ટિનામાં કથા દરમિયાન મોરારિબાપુએ ગર્ભિત ચેતવણી આપતું નિવેદન કર્યું છે. તેઓએ કહ્યું હતું કે, વર્ષો પહેલાં શંકરાચાર્યજીએ એમ કહ્યું હતું કે, સનાતન ધર્મ વિષે જે લોકો ખરાબ બોલે તેઓના દેવસ્થાનમાં ક્યારેય ન જવું, ભલે તમે હાથીના પગ નીચે કચડાઇ જાવ, પરંતુ સનાતની વિરુદ્ધ એલફેલ બોલનારાઓને કદી માફ ન કરી શકાય, તેઓએ વિનંતી કરતાં કહ્યું હતું કે, હવે ફરીથી આ સમય આવી ગયો છે. હું દરેકને કહું છું કે, મેં આટલું કહ્યું છે તેનું મારે ઘણું પરિણામ ભોગવવું પડશે. હવેલીમાં રહેતો મોટામાં મોટો માણસ હોય કે મારા જેવો તુચ્છ વ્યક્તિ હોય હવે બધાએ સમજી જવાનો સમય ફરી આવી ગયો છે.
આ ઉપરાંત સનાતની સાધુ-સંતોએ કહ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા બધા પુસ્તકો બજારમાં વેચાઇ રહ્યા છે. કેટલીક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાવવામાં આવી રહી છે તેમાં ભગવાન શિવ, કૃષ્ણ અને અન્ય દેવી દેવતાઓ વિશે ન સાંભળી શકાય તેવી ટિપ્પણી કરવામાં આવી છે અને આ બધા ભગવાન સ્વામિનારાયણના અનુયાયી હોય તેવું બતાવવામાં આવ્યું છે, ત્યારે સરકારી તંત્ર ચુપ શા માટે બેઠું છે તે પણ એક મોટો પ્રશ્ન છે.