રાજકોટના નામાંકિત સિનિયર વકીલ આગેવાન દિલીપ કે. પટેલની સનદ રદ્દ કરવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ફરિયાદ થઈ છે. જેથી બી.સી.જી. ચેરમેને દિલીપ પટેલને નોટીસ ફટકારી થયેલા આક્ષેપો અંગે ખુલાસો પૂછ્યો છે. ફરિયાદ કરાયા પછી લાંબાગાળા બાદ સ્ટેટ કાઉન્સિલે લેખિત ખુલાસો માંગતા વકીલ આલમમાં ચર્ચાનું જોર વધી ગયું છે. જેમાં ફરિયાદના મુદ્દા ઉપર નજર કરીએ તો ગુજરાત હાઇકોર્ટને ગેરમાર્ગે દોરવા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના લેટર હેડનો ઉપયોગ કરેલ જે હાઇકોર્ટના ધ્યાને આવતા હાઈકોર્ટ દ્વારા તેમની સામે યોગ્ય પગલા લેવા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ભલામણ કરવામાં આવી હતી.ડીસ્ટ્રીકટ જજ આર.ટી. વચ્છાણીની બદલી થતા કોર્ટના પટાંગણમાં મીઠાઈ વેચણી કરતા ફોટાઓ અને બદલીના કારણે વકીલોમાં હર્ષની લાગણી ફેલાઈ છે તેવા ખોટા સમાચાર વાઇરલ કર્યા હતા. રાજકોટ બારે ઠપકા ઠરાવ કરી નોટિસ આપેલી. રાજકોટના અમુક વકીલો પાસેથી તગડી રકમની લાંચ લઈ નોટરી લાયસન્સ અપાયા હોવાના સમાચારો પ્રસિદ્ધ થયેલ જે સમાચારોમાં પણ અંગુલી નિર્દેશ થયો હતો. લાંચ પેટેની રકમ પરત કરેલ. તેમ પી.સી. વ્યાસે ફરિયાદમાં જણાવેલ છે. પોતાની પુત્રીને વકીલોના વેલ્ફેર ફંડમાંથી ગેરકાયદેસર રીતે 30 હજારની મેડીકલ સહાય મંજુર કરાવેલ અને બાદમાં આ બાબતે વિવાદ થતા રકમ પરત બીસીજીમાં જમા કરાવેલ હતી. દિલીપ પટેલ એડવોકેટ હોવા છતાં નોવા ગ્રુપના નામથી હોટલના વ્યવસાય સાથે પરોક્ષ રીતે સંકળાયેલ છે. વર્ષ 2020 માં કલેકટરને એક આવેદન પત્ર આપેલું જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઓનર્સ એસો.ના પ્રમુખ હોવાનો ઉલ્લેખ હતો અને તેમની સહી પણ હતી.