રાજકોટ શહેરની સદર બજારમાં મેઈન રોડ પર બેકરીનું રો-મટીરીયલ્સ વેચતી બેકસ બજાર નામની પેઢીની દુકાનમાં વહેલી સવારે આગ ભભૂકી હતી. દુકાનનો સર-સામાન બળીને ખાખ થતા વેપારીને રૂા.7 લાખનું નુકસાન થયું છે. મનપા ફાયર વિભાગ તરફથી મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે સવા પાંચ વાગ્યે ફાયરબ્રિગેડને કોલ આવેલો કે, સદર બજાર મેઈન રોડ પર બેકસ બજાર નામની દુકાનમાં આગ લાગી છે. આ જાણકારી મળતા ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો. અને દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગની જહેમતથી આ આગ આસપાસની દુકાનોમાં ફેલાઈ નહોતી. દુકાન માલીક નૈશદભાઈ દિનેશભાઈ કાથરાણીનાં જણાવ્યા મુજબ આગને કારણે રૂ 7 લાખનું નુકસાન થયાનો અંદાજ છે.