ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે વિશ્વ સ્તરે નવી ઊંચાઈઓ સર કરી રહી છે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક ક્રાંતિકારી કદમ ઉઠાવતા, થિંકઇંક પિક્ચર્સે ભારતની પ્રથમ AI જનરેટેડ ગુજરાતી ફિચર ફિલ્મ ‘ધ ઇસ્કોન બ્રિજ’નું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ એક પેરાનોર્મલ થ્રિલર ફિલ્મ છે જે આધુનિક ટેક્નોલોજી અને માનવીય કલ્પનાશક્તિનો અદભૂત નમૂનો છે.
AIની મદદથી કંડારાયેલા 82 પાત્રો
આ ફિલ્મની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં દેખાતા તમામ 82 પાત્રો AI દ્વારા જનરેટ કરવામાં આવ્યા છે. આ માટે AI સ્ટુડિયો ‘ગોસ્ક્રિપ્ટો’ના ખાસ એન્જિન Go2V (GS2 AI Model Version 2.0) નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીનપ્લે સિવાયના તમામ વિઝ્યુઅલ્સ અને વીડિયો આ ટેક્નોલોજીની મદદથી તૈયાર કરવામાં આવ્યા છે.
‘ધ ઇસ્કોન બ્રિજ’ માત્ર ટેક્નોલોજીનો પ્રયોગ નથી, પણ તેની પાછળ એક દમદાર સ્ટોરી પણ છે. આ ફિલ્મ સત્ય ઘટનાઓ પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવેલી પેરાનોર્મલ થ્રિલર છે. ફિલ્મના લેખન અને દિગ્દર્શનની જવાબદારી ચેતન ચૌહાણે સંભાળી છે. કુનાલ શાહ આ ફિલ્મમાં AI ક્રિએટિવ ડિરેક્ટર તરીકે જોડાયા છે, જ્યારે વિવેક છેત્રીએ સંગીત આપ્યું છે.