રાજકોટ જિલ્લાના ગોંડલ પાસેના સડક પીપળિયા ગામના પાટિયા પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો જેમાં મોડી રાત્રીના બેકાબૂ આઇસરે ડિવાઇડર પર સૂતેલા બે શ્રમિકને ઠોકરે લેતા એક શ્રમિકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક શ્રમિકને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
મૂળ રાજસ્થાનના ઢોલાપુર જિલ્લાના હિસાડી ગામના અને હાલ ગોંડલ તાલુકાના સડક પીપળિયા ગામના પાટિયા પાસે રહેતા અને હાઇવે રોડનું મજૂરીકામ કરતા મુનેશ રામખેલાડી અઝર (ઉ.42)અને તેના ગામનો અજય કૈલાશ કૌશલ (ઉ.18) રાત્રીના કામ પૂરું કરી રોડના ડિવાઇડર પર અન્ય શ્રમિકો સાથે સૂતા હતા તે દરમિયાન મોડી રાત્રીના બેકાબૂ આઇસરના ચાલકે ઠોકરે લેતા બન્નેને ગંભીર ઇજા થતા તેને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમા મુનેશ અઝરનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બનાવને પગલે પીએસઆઇ સોલંકી સહિતે તપાસ કરતા મૃતક મુનેશ સહિતના રાજસ્થાનના શ્રમિકો છેલ્લા છએક માસથી પેટિયું રળવા ગુજરાત આવ્યા હતા અને અગાઉ ઢોલરા ખાતે રોડનું કામ પૂર્ણ કરી ગોંડલ પાસેના રોડનું કામ કરવા માટે છેલ્લા એકાદ માસથી અહીં આવ્યા હતા. પોલીસની વધુ પૂછતાછમાં મૃતક યુવક ચાર ભાઇમાં વચેટ હોવાનું અને તેને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્રી હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસે મૃતકના પરિવારની ફરિયાદ નોંધવાની તેમજ અકસ્માત કરી નાસી છૂટનાર આઇસરના ચાલક સામે ગુનો નોંધવાની તેમજ આરોપીને પકડી લેવાની કાર્યવાહી કરી છે.