શહેરમાં રહેતી એક સગીરાને હોસ્પિટલમાં ખસેડાતા તેને પાંચ માસનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું, કોણે શરીર સંબંધ બાંધ્યા તે અંગે સગીરાએ નામ નહીં આપતા પોલીસ અને તેની માતા સ્તબ્ધ થઇ ગયા હતા, જોકે સગીરાની માતાએ કોર્ટના હુકમથી ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
શહેરના એક વિસ્તારમાં રહેતી 18 વર્ષની યુવતી થોડા દિવસ પૂર્વે પોતાના ઘરે હતી ત્યારે તેની તબિયત લથડતાં માતા સહિતના પરિવારજનો તેને હોસ્પિટલે લઇ ગયા હતા, તબીબોએ તપાસ કરતાં યુવતીને પાંચ માસનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું, કુંવારી પુત્રી સગર્ભા હોવાની વાત સાંભળી પરિવારજનો પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ હતી, બનાવની જાણ થતાં પોલીસની ટીમ દોડી ગઇ હતી, પોલીસે સગીરાની પૂછપરછ કરતાં સગીરાએ મૌન સેવી લીધું હતું.
પોલીસ સમક્ષ કંઇ નહી બોલનાર સગીરાએ પરિવારજનોને પણ કોણે શરીર સંબંધ બાંધ્યા તે અંગે મગનું નામ મરી પાડ્યું નહોતું, પરંતુ સગીરાની માતાએ દુષ્કર્મી સામે જંગ લડવાનો નિર્ણય કર્યો હતો, સગીરાની માતાએ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા, પોતાની પુત્રી 17 વર્ષની હતી ત્યારે તેની નાની ઉંમરનો ગેરલાભ લઇ કોઇ શખ્સે તેની સાથે શરીર સંબંધ બાંધી તેને સગર્ભા બનાવી છે તેવી રજૂઆત કરી હતી, સગીરાની માતાની કથની સાંભળી કોર્ટે ગુનો નોંધવાનો આદેશ કર્યો હતો.
મંગળવારે સગીરાની માતા વકીલને લઇ કોર્ટના આદેશ સાથે પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશને પહોંચી હતી અને કોર્ટના આદેશ સાથે ફરિયાદ આપી હતી. પોલીસે મહિલાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.