રાજકોટના કુવાડવા રોડ પર શીવનગરમાં રહેતી યુવતીની સગાઇ મોટા મવાના યુવાન સાથે થઇ હોઇ પણ યુવતીના પિતાનું અવસાન થયું હોઇ છતાં યુવાન લગ્ન કરવાનું દબાણ કરતો હોઇ અને સતત પરેશાન કરતો હોઇ યુવતિના પરિવારજનોએ સગાઇ તોડી નાખતા અને આ યુવાનની બહેનની સગાઇ પણ શીવનગરની યુવતિના ફઇના દીકરા સાથે થઇ હોઇ તે પણ તૂટી જતાં મોટા મવાના યુવાને ખાર રાખી તેના ભાઇ, બહેન, ભાભી સાથે મળી અવાર-નવાર યુવતિના ઘરે જઇ, ફોન કરી લગ્ન તો મારી સાથે જ કરવા પડશે નહિતર બહાર નીકળીશ તો મારી નાંખીશ કહી સતત ધમકીઓ આપી હોઇ અંતે પોલીસને જાણ કરવામાં આવી છે.
બી-ડિવીઝન પોલીસે કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસે શીવનગર-4માં રહેતાં તુલજાબેન મચ્છાભાઇ ઠુંગા (ઉ.વ.28)ની ફરિયાદ પરથી મોટા મવા સ્મશાન સામે હનુમાનજીની ડેરીવાળી શેરીમાં રહેતાં ઉત્તમ ગાંડુભાઇ ભુરાભાઇ વકાતર, મહેશ ગાંડુભાઇ ભુરાભાઇ વકાતર, શ્રધ્ધાબેન ગાંડુભાઇ વકાતર અને મનિષાબેન મહેશભાઇ વકાતર વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
તુલજાબેન ઠુંગાએ પોલીસને જણાવ્યું હતું કે, હું મારા માતા જોશનાબેન તથા બે ભાઇઓ માધવભાઇ અને ગાંડુભાઇ સાથે રહુ છું. એક બહેન સાસરે છે. મારા પિતાનું અગાઉ અવસાન થયું હતું. દોઢ વર્ષ પહેલા મારી સગાઇ મોટા મવા સ્મશાન સામે રહેતાં અમારી જ્ઞાતિના ગાંડુ ભુરાભાઇ વકાતરના દીકરા ઉત્તમ સાથે થઇ હતી. એ પછી ઉત્તમની બહેન હીનાની સગાઇ મારા ફઇના દીકરા સુનિલ સાથે થઇ હતી. જ્ઞાતિના રિવાજ મુજબ અમોને ઉત્તમના પરિવારે સોના ચાંદીના ઘરેણા અને સગાઇને લગતી બીજી ચીજવસ્તુઓ આપી હતી.