શહેરના મેઘમાયાનગરમાં શ્વાનના મુદ્દે પિતા-પુત્ર પર પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો. મેઘમાયાનગરમાં રહેતા બેંક કર્મચારી બાબુભાઇ વાળા નામના પ્રૌઢ શનિવારે રાત્રે પોતાના પાલતું શ્વાનને લઇને શેરીમાં આંટો મારી રહ્યા હતા ત્યારે પાડોશમાં રહેતા જયેશ રમેશ રાઠોડે શ્વાનને ગાળ ભાંડી હતી. બાબુભાઇએ શ્વાનને ગાળ દેવાની ના કહેતા જયેશ રાઠોડ ઉશ્કેરાયો હતો અને તેણે બાબુભાઇને મારકૂટ કરી તેને પછાડી દઇ જયેશ તેમના પેટ પર બેસી ગયો હતો અને બેઠા બેઠા બાબુભાઇને માથામાં પથ્થરના ઘા ઝીંક્યા હતા. માથાકૂટની જાણ થતાં બાબુભાઇનો પુત્ર મનીષ વાળા (ઉ.વ.26) દોડી ગયો હતો. તેણે તેના પિતાને બચાવવાનો પ્રયાસ કરતાં જયેશે તેને પણ પથ્થરનો છૂટો ઘા માર્યો હતો. હુમલામાં ઘવાયેલા પિતા-પુત્ર બંનેને હોસ્પિટલમાં ખસેડાયા છે.