શહેરના નાનામવા રોડ પર સંભવ કોમ્પલેક્સમાં આવેલી શ્રી મની પ્લસ શરાફી સહકારી મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગા સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે, અલ્પેશે પૂર્વયોજિત કાવતરું રચી પોતાની મંડળીમાં એફડી કરાવવાથી ઊંચું વળતર આપશે તેવી લાલચ આપી 59 રોકાણકારો પાસેથી રૂ.11 કરોડ ઉઘરાવી થોડો સમય વળતર આપી બાદમાં નાણાં ચૂકવવામાં હાથ ઊંચા કરી દઇ છેતરપિંડી આચરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
શહેરના આશાપુરા રોડ પર રહેતા અને કાપડની દુકાન ચલાવતા વેપારી રશ્મિનભાઇ ચુનિલાલ પરમારે (ઉ.વ.57) તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં અારોપી તરીકે શ્રી મની પ્લસ શરાફી સહકારી મંડળીના પ્રમુખ અલ્પેશ ગોપાલદાસ દોંગાનું નામ આપ્યું હતું. રશ્મિનભાઇ પરમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, આઠેક વર્ષ પહેલા સ્વામિનારાયણ સત્સંગી મારફત અલ્પેશ દોંગાનો પરિચય થયો હતો અને અલ્પેશે પોતાની મંડળીમાં એફ.ડી.કરાવવાથી માસિક એક ટકા મુજબ એટલેકે વાર્ષિક 12 ટકા વળતરની લાલચ આપી હતી અને છ વર્ષમાં મૂડી પરત મળી જશે તેવી ખાતરી આપી હતી, જેથી રશ્મિનભાઇઅે પોતાના નામે, તેમના પત્નીના નામે અને તેમના વિધવા ભાભીના નામે લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું, શરૂઆતમાં અપ્લેશ નિયમિત રીતે માસિક વળતર આપતો હતો જેથી તેના પર વિશ્વાસ બેસી ગયો હતો અને આ કારણે રશ્મિનભાઇએ પોતાના સંબંધીઓ અને પરિચિતોને પણ રોકાણ કરવા સમજાવ્યા હતા, ડિસેમ્બર 2023 સુધી અલ્પેશે વળતર આપ્યું હોય ત્યાં સુધીમાં 59 રોકાણકારો આકર્ષાયા હતા અને રૂ.1 લાખથી માંડી રૂ.86 લાખ સુધીનું રોકાણ કર્યું હતું અને કુલ 59 લોકોએ મંડળીમાં રોકાણના નામે રૂ.11,08,98,000 જમા કરાવ્યા હતા, અલ્પેશ દોંગાએ વળતર આપવાનું બંધ કરતાં રોકાણકારોમાં દેકારો મચી ગયો હતો અને પૃચ્છા કરતાં અલ્પેશ અલગ-અલગ બહાના આપતો હતો, ત્યારબાદ અલ્પેશ દોંગા સામે છેતરપિંડીની અગાઉ ફરિયાદો નોંધાવા લાગતા રોકાણકારોની હાલત કફોડી બની હતી અને અંતે રશ્મિનભાઇએ પોતાના સહિત 59 રોકાણકારોએ રૂ.11 કરોડથી વધુ રકમ ગુમાવ્યાની ફરિયાદ નોંધાવી હતી, તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ હરિપરા સહિતની ટીમે અલ્પેશ દોંગાની ધરપકડ કરી તેને રિમાન્ડ પર લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.