શ્રીમદ્ રાજચંદ્રજીના 125મા સમાધિદિનની ઉજવણી

શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર ટ્રસ્ટ, રાજકોટ દ્વારા શ્રીમદ્ રાજચંદ્રજીના 125મા સમાધિદિન નિમિત્તે ‘પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ’નું આયોજન શાસ્ત્રી મેદાનમાં કરવામાં આવ્યું છે. તા.4 એપ્રિલથી 7 એપ્રિલ દરમિયાન યોજાનારા આ ચાર દિવસીય આધ્યાત્મિક મહોત્સવમાં વિવિધ કાર્યક્રમો દ્વારા તેમના જીવન અને કવનને યાદ કરવામાં આવશે. આ પવિત્ર પ્રસંગે 7મી એપ્રિલના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહીને ગરિમા વધારશે.

કાર્યક્રમ તા.4 એપ્રિલ શનિવારના રોજ સવારે 10:30થી 12:30 દરમિયાન નલિનભાઈ અને આત્મ સુરેનભાઈ દ્વારા પ્રેરણાદાયી પ્રવચન આપવામાં આવશે. ત્યારબાદ રાત્રે 7:30થી 8:30 દરમિયાન રાજ સોભાગ આશ્રમ, સાયલાના મુમુક્ષુઓ દ્વારા દેવની અલૌકિક દશા પર આધારિત નાટ્યપ્રયોગ રજૂ કરવામાં આવશે.

તા.5 એપ્રિલ રવિવારના રોજ સવારે 10:30થી 12:30 દરમિયાન ગુરુદેવ રાકેશજી અને બેન રત્નાપ્રભુ દ્વારા પ્રેરણાદાયી પ્રવચન યોજાશે અને રાત્રે 7:30થી 9:30 દરમિયાન ભાવમય કીર્તનનો કાર્યક્રમ રહેશે. તા.6 એપ્રિલ સોમવારના રોજ સવારે 7થી 9:30 સુધી શોભાયાત્રા અને શ્રીમદ્ રાજચંદ્ર સમાધિ મંદિરની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાશે. સવારે 10:30થી 12:30 દરમિયાન સુરેશજી દ્વારા પ્રવચનનો લાભ ભક્તોને મળશે. રાત્રે 7:30થી 9:30 દરમિયાન શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના મુમુક્ષુઓ દ્વારા બાપુ નાટ્યસ્તુતિ અને પરમકૃપાળુદેવના જીવન પર આધારિત સંવેદનાત્મક ભક્તિ પ્રસ્તુત કરાશે.

મહોત્સવના અંતિમ દિવસે, તા.7 એપ્રિલ મંગળવારના રોજ સવારે 10:30થી 12:30 દરમિયાન સંકીર્તન સભામાં રાજપરિવારના સંતોની ઉપસ્થિતિ અને રાકેશજીનું પ્રાસંગિક ઉદ્બોધન. જેમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે બીએપીએસ (BAPS) સ્વામી નિરંજન સ્વામીની પ્રેરણાદાયી હાજરી રહેશે. બપોરે 2થી 3 વાગ્યે ભાવવાહી ભક્તિ અને મહાઆરતી સાથે આ દિવ્ય પર્વનું સમાપન થશે. આ પ્રસંગે સાધુ-સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સૌ મુમુક્ષુઓને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *