શ્રીજી ગૌશાળા (ન્યારા) ખાતે તા.5ને રવિવારે સાંજે 7 વાગ્યે ગૌપ્રેમીઓ માટે શરદ-રાસોત્સવનું આયોજન કરાયું છે. યુવા વૈષ્ણવાચાર્ય અક્ષયકુમારજી મહારાજ (કૃષ્ણાશ્રય હવેલી)ના સાંનિધ્યમાં રાસોત્સવ યોજાશે. શ્રેષ્ઠ ખેલૈયાઓ અને શ્રેષ્ઠ વેશભૂષા માટે લાખેણા ગૌસત્વ ઇનામો અપાશે.
ગૌશાળા ખાતે યોજાયેલા આ રાસોત્સવમાં રવિવારની સાંજે જૂનાગઢના પ્રખ્યાત લોકગાયક રાજુ ભટ્ટ અને નીરુ દવે રાસમાં રંગત જમાવશે. સાથે જ રાસોત્સવમાં ભોજનનું આયોજન કરાયું છે.
રાજકોટની કૃષ્ણાશ્રય હવેલીના અક્ષયકુમારજી મહારાજ ગાૈપ્રેમી વૈષ્ણવોને વચનામૃત બોધ સાથે ખેલૈયાને ઇનામ આપી પ્રોત્સાહિત કરશે. રાસોત્સવમાં રવિવારના સાંજે ખેલૈયાઓને રાજુ ભટ્ટ અને નીરુ દવે, અવધ ભટ્ટ અને સાથી વૃંદના તાલે ગૌમાતાના આંગણે રાસ રમવા જણાવાયું છે.
રાસોત્સવમાં વિવિધ વયજૂથના ખેલૈયાઓમાં બાળકો (5થી 15) વર્ષ-યુવાનોમાં (16થી 40 વર્ષ)- જ્યારે મોટી વયજૂથમાં 40થી ઉપર એમ ત્રણ જૂથના 3-3 મેલ-ફીમેલ શ્રેષ્ઠ ખેલૈયાઓ અને 2-2 શ્રેષ્ઠ વેશભૂષાના વિજેતાઓને ગૌસત્વ પ્રોડક્ટની કિટના લાખેણા ઇનામો અપાશે.
ખેલૈયાઓ માટે કાઠિયાવાડી ટ્રેડિશનલ વેશભૂષા અનિવાર્ય રહેશે. દરેક ખેલૈયાઓએ વેશભૂષામાં આવવાનું રહેશે. શરદ રાસોત્સવ દરમિયાન ગૌપ્રેમી સમાજ અને વિજેતા ખેલૈયાઓ માટે ભોજન (મહાપ્રસાદ)ની વિશેષ વ્યવસ્થા સંસ્થા દ્વારા આયોજિત કરાઇ છે.