આજથી શ્રાવણ મહિનાનો ભાવભેર પ્રારંભ થયો છે ત્યારે રાજકોટ એસ.ટી.ડિવિઝન દ્વારા શિવભક્તો માટે બે ધાર્મિક સ્થળોની એકસ્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું કે, શ્રાવણ મહિનામાં ધાર્મિક સ્થળોએ એકસ્ટ્રા બસ દોડાવવા માટે લોકોની માંગણી હતી. માગણીને પગલે સર્વે કર્યા બાદ રાજકોટથી ઘેલા સોમનાથ અને સોમનાથ માટે એકસ્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે નિર્ણયનો અમલ કરી આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે રાજકોટ બસ પોર્ટથી બંને બસને પ્રયાણ કરાવી હતી. એસ.ટી.તંત્ર દ્વારા એકસ્ટ્રા બસને રવાના કરતા જ બસમાં બેઠેલા તેમજ બસપોર્ટ પર રહેલા મુસાફરોએ હર હર મહાદેવના નારા લગાવી બસ પોર્ટને ગુંજવી દીધું હતું.
વિભાગીય નિયામક કલોતરાએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, રાજકોટથી 78 કિ.મી. દૂર ઘેલા સોમનાથની લોકલ બસ સવારે 8 વાગ્યે બસ પોર્ટથી રોજ રવાના થશે અને આ જ બસ સવારે 10.30 વાગ્યે ઘેલા સોમનાથથી ઉપડી રાજકોટ આવવા નીકળશે. આ રૂટનું રૂ.51 ભાડું નક્કી કરવામાં આવ્યું છે. તેવી રીતે રાજકોટથી 207 કિ.મી.દૂર સોમનાથની એક્સપ્રેસ બસ રોજ વહેલી સવારે 5.45 કલાકે રાજકોટ બસ પોર્ટથી રવાના થશે. જે બસ પરત સોમનાથથી સવારે 11.45 કલાકે રાજકોટ આવવા નીકળશે. આ એકસ્ટ્રા બસનું ભાડુંં રૂ.168 નક્કી કરવામાં આવ્યું છે. ઘેલા સોમનાથ અને સોમનાથ રૂટની બે સ્પેશિયલ બસ શરૂ કરાતા ભાવિકોમાં આનંદ છવાયો છે.