શો-રૂમમાં ગ્રાહકના સ્વાંગમાં મહિલા 4.75 લાખનો ચેઇન સેરવી ગઇ

સોની વેપારીઓ માટે ચેતવા જેવો કિસ્સો છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ જુદી જુદી બે જ્વેલરી શોપમાંથી સોની વેપારીની નજર ચૂકવી ચોરીને અંજામ આપ્યો છે. શહેરના ડૉ.યાજ્ઞિક રોડ ઉપર આવેલ મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ લિમિટેડ કંપનીના શો-રૂમમાં સોનાના સ્ટોકની ગણતરી કરતા 27.59 ગ્રામના સોનાની ચેઈનની ઘટ આવતા સ્ટાફે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હોય જેમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી એક મહિલા શો-રૂમના સ્ટાફની નજર ચૂકવીને રૂ.4.75 લાખનો સોનાનો ચેઈન સેરવતી નજરે પડી હતી. પોલીસે શો-રૂમ મેનજરની ફરિયાદના આધારે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી બાજુએ સોની બજારમાં જ્વેલરી શોપમાં પણ આ જ પ્રકારનો ચોરીનો કિસ્સો સામે આવતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલા આરોપીને પોલીસે ઝડપી લીધી છે. ચોરીના બંને કિસ્સામાં આરોપી મહિલા એક જ છે કે કેમ? પોલીસે બંને જ્વેલરી શોપના સીસીટીવી ફૂટેજ મેળવી તે દિશામાં તપાસ હાથ ધરી છે.

એ-ડિવિઝન પોલીસ મથકમાં ડૉ.યાજ્ઞિક રોડ પર આવેલ મલબાર જ્વેલર્સમાં મેનેજર તરીકે ફરજ બજાવતા અને કાલાવડ રોડ મોટામવામાં રહેતા વિજયભાઈ સંતોષભાઈ બુલચંદાણી(ઉં.વ.46)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ લિમિટેડ કંપની શો-રૂમમાં છેલ્લા 10 વર્ષથી નોકરી કરે છે. ગત તા.23/01ના રોજ રાબેતા મુજબ નોકરી પર આવી રાત્રિના સાડા આઠેક વાગ્યે શો-રૂમ બંધ કરી દીધો હતો. જ્યાર બાદ બીજા દિવસે શો-રૂમમાં રાખેલા જુદા-જુદા સ્ટોકની ગણતરી કરતા 27.59 ગ્રામનો સોનાનો ચેઈન મળ્યો ન હતો. તા.23/01ના સીસીટીવી ફૂટેજ ચકાસતા એક અજાણી સ્ત્રી ડિસ્પ્લે ટ્રેમાંથી રૂ.4.75 લાખનો સોનાનો ચેઈન સેરવતી નજરે પડતાં ફરિયાદ નોંધાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *