શેરબજારમાં રોકાણના બદલામાં સારા વળતરની લાલચ આપી 6 લાખની ઠગાઈ

રાજકોટમાં સારા વળતર મેળવવાની લાલચમાં લોકો પોતાના પૈસા રોકી અને બાદમાં છેતરાય છે તેવા જ એક કિસ્સામાં વેપારીના 7 લાખના રોકાણ ઉપર 9 માસ સુધી 3 ટકા લેખે વળતર આપી પૈસા પરત ન આપતા વેપારીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

શહેરના રામાપીર ચોકડી ગૌતમનગર મેઇન રોડ, ગાંધીગ્રામ પદ્માવતી એપાર્ટમેન્ટમાં રહેતા અમિતભાઈ ગોરધનદાસ દવે (ઉં.વ.68) નામના વૃદ્ધે માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અભય મહેન્દ્રભાઈ કામદારનું નામ આપ્યું હતું.

વૃદ્ધાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2022માં તેમણે છાપામાં અરિહંત ઇન્વેસ્ટમેન્ટ નામની કંપનીની જાહેરાત વાંચી હતી. જેમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેમ જણાવેલ હોવાથી પોતે આ અભય કામદાર નામના માણસની સાથે વાતચીત કરી હતી.

ત્યારબાદ પોતે શેરબજારમાં રોકાણ કરવા બાબતે જાણકારી મેળવી આ અભયને ગત તા.03/02/2022ના રોજ રૂપિયા 1 લાખ ચેક દ્વારા આપેલ જેના બદલામાં આ અભયે તેને રૂ.1 લાખનો ચેક પરત આપ્યો હતો. જેના વળતર પેટે એક માસના રૂ.3 હજાર તેને અભયે આપ્યા હતા.

જે બાદ વિશ્વાસ બેસી જતા તેમણે કટકે કટકે રૂ.7 લાખનું રોકાણ કર્યું હતું. જેના વળતરમાં પૈસા 9 મહિના સુધી 3% લેખે આપ્યા બાદ 10મા મહિનામાં વળતર ન મળતા આ અભયને કોલ કર્યો હતો. પણ તેણે થોડા સમયમાં આપીશ એમ કહી કેટલોય સમય વીતી જવા છતાંય રૂપિયા પરત ન આપી ઠગાઈ આચરી હતી.

વેપારીએ પૈસા પરત ન મળતા 1 લાખનો ચેક બેંકમાં જમા કરાવી રૂ. 1 લાખ પાછા મેળવી લીધા હતા. બાકીના 6 લાખ પરત ન આપી ઠગાઈ આચર્યાની માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *