આજે બુધવારે લાભપાંચમ છે. સવારે 8.47થી 11.00 કલાક સુધી રવિયોગ છે. રવિયોગમાં લાભપાંચમ આવતી હોવાથી એ શુભફળદાયી બનશે. કારણ કે, રવિયોગ બધા જ અશુભ યોગનો નાશ કરે છે. આજના દિવસે વેપારીઓ નવા વર્ષના ચોપડા પૂજન કરીને નવા વેપારની શરૂઆત કરશે. તેમ વેદાંત રત્ન શાસ્ત્રી રાજદીપ જોશીએ જણાવ્યું છે.
વધુમાં તેના જણાવ્યાનુસાર લાભપાંચમને જ્ઞાનપંચમી, પાંડવ પાંચમી અને શ્રી સૌભાગ્ય પંચમી પણ કહેવામાં આવે છે. આ દિવસે વ્યાપારી લોકો દીપાવલી બાદ પોતાના વ્યાપારની શરૂઆત કરવી શુભ અને લાભદાયક છે. પોતાના વ્યાપારની શરૂઆત કરતાં પહેલાં સૌ પ્રથમ પોતાના વ્યાપાર ધંધાની જગ્યા ખોલી ગણપતિદાદાનું ધ્યાન, દીવો કરવો અને પૂજન કરવું ગણપતિદાદાને ચાંદલો ચોખા કરવા ત્યાર બાદ પોતાના કુળદેવી અને પિતૃદેવોને યાદ કરવા, પ્રાર્થના કરવી, આખું વર્ષ અમારો વ્યાપાર સારો જાય અને સંવત 2081નું વર્ષ નિર્વિઘ્ને પસાર થાય ત્યાર બાદ વ્યાપાર ધંધાનો શુભારંભ કરવો. લાભપાંચમના દિવસે નવા વાહનની ખરીદી તથા લગ્નપ્રસંગો જેવા શુભ પ્રસંગોના સામાનની ખરીદી શુભકાર્યો દસ્તાવેજ કરવા તથા જપ, હોમ, પૂજાપાઠ બધું શુભ અને ઉત્તમ ગણાય છે. જૈન લોકો આ દિવસે જ્ઞાનપંચમી ઉજવે છે તથા જ્ઞાન તથા સરસ્વતી માતાજીનું આ દિવસે પૂજન કરવું શુભ છે.