રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (R.U.D.A.)ની બોર્ડ બેઠક આગામી શુક્રવારે મળવા જઈ રહી છે, જેમાં વાજડીગઢ-વેજાગામની ટીપી સ્કીમ નંબર 80, 81, અને 82ને ફાઇનલ કરવાની મુખ્ય દરખાસ્ત રજૂ કરાશે. આ ત્રણેય ટીપી સ્કીમના મુત્સદા જાહેર થયા બાદ જમીન માલિકો તરફથી જે વાંધા-સૂચનો મળ્યા છે, તેની મુદત પૂરી થતાં આ તમામ વાંધા અરજીઓનો નિકાલ કરવા માટે બોર્ડમાં નિર્ણય લેવામાં આવશે. નિર્ણય બાદ જરૂરી સુધારા સાથે આ ત્રણેય ટીપી સ્કીમને અંતિમ મંજૂરી માટે રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે. સાથે રૂડા દ્વારા રાજકોટ મનપાની હદમાં ભળેલા નવા વિસ્તારો તેમજ શહેરને જોડતા વિસ્તારોમાં રોડ-રસ્તા જેવી પાયાની જરૂરિયાતો પૂરી પાડવા માટે નવી ટીપી સ્કીમોનો ડ્રાફ્ટ તૈયાર કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. એક અંદાજ મુજબ ટૂંક સમયમાં રૂડા વિસ્તારમાં 40થી વધુ નવી ટીપી સ્કીમ તૈયાર કરી અમલમાં મૂકાય તેવી શક્યતા છે.
અન્ય સમાચાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 1997-98માં અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે પ્લોટ ફાળવણીની પ્રક્રિયામાં 27 વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. અરજદારો મુકેશકુમાર વાઘેલા અને જયાબેન વાઘેલા સહિતના લાભાર્થીને ડ્રોમાં પ્લોટ નંબર 161 અને 162 ફાળવવામાં આવ્યા હતા. જનરલ બોર્ડના ઠરાવ નંબર 5 (તારીખ 13/4/1998) મુજબ 800/- રૂ. પ્રતિ ચો.મી.ના ભાવે વેચાણ કરવાનું ઠરાવેલું, પરંતુ ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ (GPMC Act 1949)ની કલમ 79/D મુજબ રાજ્ય સરકારની મંજૂરી જરૂરી છે. આ પ્રક્રિયામાં શહેરી વિકાસના ઉપસચિવ આર. પી. પટેલ દ્વારા 23/2/2017ના રોજ RMC કમિશનરને પત્ર પાઠવી માત્ર 3 દિવસમાં વિગતોની સ્પષ્ટતા માંગવામાં આવેલી. જોકે, RMCનો દાવો છે કે તેમણે 18/4/2017ના રોજ જવાબ આપી દીધો છે, જ્યારે શહેરી વિકાસના જાહેર માહિતી અધિકારીએ 22/9/2023ના RTI જવાબમાં જણાવ્યું છે કે પત્રનો જવાબ મળ્યો નથી. આ વિસંગતતાને કારણે અરજદારો દસ્તાવેજથી વંચિત છે.ત્યારે હવે મ્યુ. હુડકો મહામંડળના ચેરમેન દાનુભા સોઢા સહિતનાઓએ તા. 22 નવેમ્બરે મુખ્યમંત્રી રાજકોટ મહાનગર પાલિકાના કાર્યક્રમમાં ઉપસ્થિત થવાના હોય આ 27 વર્ષ જૂના પ્રશ્નનો ઉકેલ લાવી અધિકારીઓને તાત્કાલિક દસ્તાવેજ બનાવી આપવા સૂચના આપવા માગ કરી છે.