ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારતીય ગણતંત્ર દિવસના અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને અભિનંદન પાઠવ્યા છે. ભારતમાં ચીનના રાજદૂત શુ ફેઇહોંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી.
રાજદૂત શુ ફેઇહોંગે જણાવ્યું કે રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાના મેસેજમાં કહ્યું છે કે ભારત અને ચીન માટે આ યોગ્ય નિર્ણય હશે કે બંને દેશો સારા પાડોશી, મિત્ર અને ભાગીદાર બને, એકબીજાની સફળતામાં મદદ કરે અને ડ્રેગન અને હાથી એકસાથે ડાન્સ કરે.
જિનપિંગનો આ મેસેજ એવા સમયે આવ્યો છે જ્યારે ભારત અને ચીનના સંબંધોમાં સામાન્ય સ્થિતિ પાછી ફરતી દેખાઈ રહી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરવામાં આવી હતી. આ અંગેની સહમતિ ઓગસ્ટ 2025માં ચીનના વિદેશ મંત્રી વાંગ યીની ભારત યાત્રા દરમિયાન બની હતી.
હાથી શક્તિનું તો ડ્રેગન સૌભાગ્ય-સમૃદ્ધિનું પ્રતીક
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં હાથીને શક્તિ, સમજદારી અને સદ્ગુણનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન ગણેશ, જે બુદ્ધિ અને સમૃદ્ધિના દેવતા છે, તેમની સાથે પણ હાથી જોડાયેલો છે. જેમ હાથી ધીમે ધીમે ચાલે છે, પરંતુ ખૂબ શક્તિશાળી હોય છે અને મજબૂતીથી ચાલે છે, તેવી જ રીતે ભારત ધીમે ધીમે દુનિયામાં પોતાની તાકાત વધારી રહ્યું છે.
જ્યારે, ચાઇના ડેઇલી અનુસાર, ચીનમાં ડ્રેગનને શક્તિ, સૌભાગ્ય અને સત્તાનું પ્રતીક માનવામાં આવે છે. ચીની કહાનીઓમાં ડ્રેગન એક શક્તિશાળી પ્રાણી છે, જે વરસાદ અને સમૃદ્ધિ લાવે છે. ડ્રેગન ચીનની સંસ્કૃતિ અને ઓળખનો મોટો ભાગ છે.