શીતલ પાર્ક નજીક વૃદ્ધાના ગળામાંથી ચેઇનની ચીલઝડપ

શહેરમાં પોલીસના કહેવાતા પેટ્રોલિંગ વચ્ચે ફરી બાઇકસવાર સમડી સક્રિય થઇ હોય તેમ 150 ફૂટ રિંગ રોડ નજીક શીતલ પાર્ક પાસે એક્ટિવા લઇને જતાં વૃદ્ધાના ગળામાં ઝોંટ મારી બાઇકસવાર બેલડી રૂ.20 હજારની કિંમતના સોનાના ચેઇનની ચીલઝડપ કરી નાસી જતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી સમડીને પકડી લેવા કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર રોડ પર ભોમેશ્વર પાસે પુનિતનગરમાં રહેતા પ્રવિણાબેન હરિદાનભાઇ સોઢાતર (ઉ.60) સોમવારે રાત્રીના તેનું એક્ટિવા લઇને એરપોર્ટ રોડ પર સખિયાનગરમાં રહેતા તેના માતા જયાબેનના ઘેર ગયા હતા અને ત્યાંથી તે પરત ઘેર આવતા હતા ત્યારે ભોમેશ્વર સોસાયટી અને શીતલ પાર્ક વચ્ચે ટોઇંગ સ્ટેશન પાછળ પહોંચતા એક્ટિવા ધીમું પાડતા પાછળથી ડબલસવારી બાઇકમાં ધસી આવેલા શખ્સોએ નજીક આવી ગળામાં ઝોંટ મારી રૂ.20 હજારની કિંમતના સોનાના ચેઇનની ચીલઝડપ કરી નાસી ગયા હતા.

બનાવને પગલે વૃદ્ધાએ દેકારો કરતાં લોકો એકઠા થઇ ગયા હતા, પરંતુ લોકો આવે તે પહેલાં બાઇકમાં આવેલા બન્ને શખ્સ નાસી છૂટ્યા હોય પોલીસમાં ફરિયાદ કરતાં પીએસઆઇ ગોહિલ સહિતે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *