શહેરમાં કાલાવડ રોડ પર આંબેડકરનગરમાં રહેતા યુવકને શિશાંગ ગામના ઉપસરપંચે ધમકી આપતા ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવને પગલે તાલુકા પોલીસે પૂછતાછ કરતા એકાદ માસ પહેલાં તે મિત્રો સાથે માતાજીના દર્શન કરવા માટે શિશાંગ ગયા હતા ત્યાં માથાકૂટ થઇ હોય જેનો ખાર રાખી ઉપસરપંચે ફોન કરી ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા તેને આ પગલું ભર્યાનું જણાવતા પોલીસે એટ્રોસિટી સહિતનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
કાલાવાડ રોડ પર આંબેડકરનગરમાં રહેતા ચિરાગ જયંતીભાઇ પરમાર એકાદ માસ પહેલાં તેના મિત્રો સાથે શિશાંગ ગામે માતાજીના દર્શન કરવા ગયા હતા ત્યાં કાર બંધ પડી જતા કાર મૂકી પરત આવ્યા અને પરત કાર લેવા જતા શિશાંગના ઉપસરપંચ બલભદ્રસિંહ રઘુભા જાડેજાએ કહ્યું કે, કોને પૂછીને કાર લેવા આવ્યા છો બાદમાં તેની સાથે માથાકૂટ થઇ હતી. દરમિયાન રવિવારે બલભદ્રસિંહનો ફોન આવ્યો હતો અને તેમાં તેને મારી ખબર પૂછવા કેમ આવ્યા નહીં ? કહી માથાકૂટ કરી હતી અને તમે હલકા કહેવાય હવે મારે તમારી સાથે દુશ્મની રાખવી છે. તેમ કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવતા લાગી આવતા ચિરાગે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. આ બનાવમાં પોલીસે અેટ્રોસિટી સહિતનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.