પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરી શકશે નહિ તેવી સૂચના રાજ્ય શિક્ષણમંત્રીએ આપી છે. જો કોઈ શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે, પરંતુ જો કોઈ શાળા આ બાબતે દબાણ કરે તો કોંગ્રેસ દ્વારા વાલીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે.
કોંગ્રેસના વિદ્યાર્થી આગેવાન રોહિતસિંહ રાજપૂત જણાવે છે કે, શિક્ષણ વિભાગે પરિપત્ર તો જાહેર કર્યો પરંતુ તેમનું અમલીકરણ થવું ખૂબ આવશ્યક છે. કારણ કે, આવા પરિપત્રો દર વર્ષે થાય છે છતાં અનેક શાળાઓ પોતાના સ્કૂલ ડ્રેસને અનુકૂળ આવે તેવા નિર્ધારિત સ્વેટર પહેરવા અને કોઇ ચોક્કસ પ્રકારના સ્ટોર કે એજન્સીઓ પરથી જ લેવા સૂચનાઓ આપે છે. આ વર્ષે પણ અમુક નામાંકિત શાળાઓએ નિર્ધારિત સ્વેટર વિદ્યાર્થીઓને પહેરવા સૂચનો આપવા લાગ્યા છે ત્યારે અમારું સ્ટેન્ડ ક્લિઅર છે કે વિદ્યાર્થીઓને કોઈ આ અંગે દબાણ કરશે તો અમે નહીં ચલાવી લઈએ. જો કોઇ શાળા આ બાબતે દબાણ કરશે અમે વિદ્યાર્થીઓને વહારે આવીશું અને આવી શાળાઓ પર હલ્લાબોલ કરીશું. વાલીઓ માટે હેલ્પલાઈન નંબર મો.7016837652 જાહેર કર્યા જેમાં વાલીઓને ફરિયાદ કરી શકે છે.