શાળાઓનું સત્ર શરૂ થાય તે પહેલા જ સ્કૂલવાન સંચાલક મંડળ અને આરટીઓ અધિકારીઓ વચ્ચે નિયમોનું પાલન થાય તે માટેની બેઠકો યોજાઇ હતી. સ્કૂલવાન સંચાલકોએ પણ નિયમોનું પાલન કરવાના સૂરમાં સૂર પુરાવ્યો હતો. ત્યારે આરટીઓ તંત્રે બે દિવસમાં સ્કૂલવાનમાં ઘટતી કાર્યવાહી પૂરી કરી દેવા સૂચન કર્યું હતું. ત્યારે શહેરમાં ત્રણ હજારથી વધુ સ્કૂલવાન ચાલતી હોય બે દિવસમાં આ કામગીરી થઇ શકે તેમ ન હોય આરટીઓ તેમજ કલેક્ટર તંત્રમાં રજૂઆત કરી હતી. તેમ છતાં કોઇ નિરાકરણ નહિ આવતા અંતે સ્કૂલવાન ચાલકોએ સ્વૈચ્છિક બંધ પાળ્યો હતો.
આમ સ્કૂલવાન ચાલકોના સ્વૈચ્છિક બંધને પગલે સતત બીજા દિવસે પણ સંતાનોને શાળાએ મૂકવા-લેવા માટે વાલીઓએ તેમના વાહનો લઇને જવું પડ્યું હતું. જેને કારણે અનેક શાળાઓ બહાર વાહનોના થપ્પા લાગી ગયા હતા અને ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાઇ હતી. બીજી તરફ આરટીઓ તંત્રે પણ તેમની ઝુંબેશ બીજા દિવસે આગળ ધપાવીને 8 સ્કૂલવાન ચાલક સામે કાર્યવાહી કરી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આમ આરટીઓ તંત્ર અને સ્કૂલવાન સંચાલકો વચ્ચેની કાયદાકીય મૂંઝવણોને કારણે વાલીઓ બે દિવસથી પરેશાન થઇ સેન્ડવીચ બની રહ્યા હોય તેવી સ્થિતિ બની છે.