શાળાઓમાં 2.50 લાખ બાળકો પ્રાર્થનાસભામાં સ્કૂલને તીર્થ સમાન માનવા

રાજ્યભરમાં શિક્ષણ વિભાગ દ્વારા ‘અમારું વિદ્યાલય – અમારું સ્વાભિમાન’ અભિયાનનો આજથી પ્રારંભ કરાવાશે. આ અભિયાન હેઠળ રાજકોટ જિલ્લામાં આવેલી આશરે 900થી વધુ પ્રાથમિક સહિતની શાળાઓમાં આશરે 2.50 લાખ બાળકો આજે પ્રાર્થનાસભામાં વિશેષ સંકલ્પ લેશે. પરિપત્ર મુજબ, દરેક વિદ્યાર્થીએ પોતાના વિદ્યાલયને તીર્થ સમાન માનવાનું, શાળાની સ્વચ્છતા, શિસ્ત, નિયમિતતા અને શિક્ષકો પ્રત્યે આદરભાવ જાળવવાનું વચન આપવાનું રહેશે.

શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ, આ અભિયાનનો હેતુ વિદ્યાર્થીઓમાં શાળા પ્રત્યે લાગણીસભર જોડાણ વધારવો તેમજ શાળાનું વાતાવરણ વધુ સકારાત્મક અને શિસ્તબદ્ધ બનાવવાનો છે. અભિયાનને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પણ મજબૂત ટેકો આપવામાં આવ્યો છે.

આ અભિયાનથી વિદ્યાર્થીઓમાં જવાબદારીની ભાવના તથા સંસ્થાન પ્રત્યે ગૌરવભાવ વિકસશે તેવી અપેક્ષા છે. સાથે સાથે શાળાઓને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવામાં બાળકોની સીધી ભાગીદારી વધશે.

‘અમારું વિદ્યાલય-અમારું સ્વાભિમાન’ અભિયાન એ શિક્ષણને માત્ર જ્ઞાન પ્રાપ્તિનું સાધન માનવાને બદલે સંસ્કાર, સંકલ્પ અને રાષ્ટ્રપ્રેમનું પોષણ કરવા માટે રચાયેલ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓએ તમામ શાળાઓને પરિપત્ર મોકલી જરૂરી આયોજન કરવા સૂચના આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *