રાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બોગસ શાળા, વર્ષોથી બંધ શાળા, વિદ્યાર્થી વિનાની શાળા સહિતના ગંભીર પ્રકારના કિસ્સા બહાર આવી રહ્યા છે. છેલ્લા 6 મહિનામાં આ પ્રકારના 4 કેસ બનતા હવે રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારીએ કડક વલણ અપનાવ્યું છે. જિલ્લામાં હવે ક્યાંય શાળામાં લાલિયાવાડી ચાલતી હશે, વિદ્યાર્થીઓ શાળામાં મહિનાઓથી આવતા નહીં હોય, મંજૂરી વિના સ્કૂલ બંધ કરી દીધી હશે તે વિસ્તારના જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારી સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. ડીઈઓએ સીઆરસી, બીઆરસી, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓને પણ પોતાના વિસ્તારની શાળાઓમાં નિયમિત ચેકિંગ કરવા સૂચના આપી દીધી છે.
રાજકોટના પીપળિયા ગામની સીમમાં ગત જુલાઈ માસમાં ગૌરી પ્રિ-પ્રાઇમરી સ્કૂલ નામની આશરે 10 વર્ષથી ધમધમતી બોગસ શાળા પકડાઈ હતી. ત્યારબાદ તેના સંચાલક સામે પોલીસ ફરિયાદ પણ કરી હતી. આ સ્કૂલમાંથી રાજકોટ શહેરની અન્ય 8 શાળાના પ્રમાણપત્રો પણ મળ્યા હતા. ત્યારબાદ શહેરના એસ.ટી વર્કશોપ પાછળ આવેલા ખોડિયારનગરમાં મધુવન નામની શાળામા ધોરણ 9-10ની મંજૂર નહીં હોવા છતાં બોગસ રીતે ચાલતી હોવાની ફરિયાદના આધારે ડીઈઓની ટીમ જ્યારે તપાસ કરવા ગઈ તો આ સ્કૂલનું ધો.1થી 4નું કોટડાસાંગાણી અને ધો.5થી 8નું શીતલપાર્ક પાસે મોચીનગરમાં સરનામું દર્શાવેલું છે, પરંતુ શાળા ખોડિયારનગરમાં ચાલતી હોવાનું કૌભાંડ ખુલ્યું હતું.