રાજકોટ જિલ્લામાં ધરતી ધ્રુજી હોવાનું સામે આવ્યું છે. જેમાં શાપર અને લોધિકા તેમજ આસપાસના કેટલાક વિસ્તારોમાં બપોરે પોણી કલાકમાં ભૂકંપનાં ત્રણ હળવા આંચકા આવતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો અને લોકો ઘર તેમજ દુકાનોની બહાર દોડી ગયા હતા. જોકે, આંચકા અતિશય હળવા હોવાને કારણે સિસમોલોજી વિભાગમાં તેના રિકટર સ્કેલ પણ નોંધાયા નથી પરંતુ, ભરઉનાળે અનુભવાયેલા ભૂકંપનાં આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજકોટ ડિઝાસ્ટર વિભાગના નાયબ મામલતદાર એ. ડી. મોરીએ દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે બપોરે 12:30થી 1:15 સુધીમાં એટલે કે પોણી કલાકમાં ભૂકંપનાં ત્રણ હળવા આંચકા આવ્યા હતા. આંચકાઓ એટલા હળવા હતા કે, તેના રિકટર સ્કેલ સિસમોલોજી વિભાગમાં નોંધાયા નથી. મુખ્યત્વે શાપર-વેરાવળ અને લોધિકાનાં પારડી ગામમાં આંચકાઓ અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટ શહેરથી 17 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે. જોકે કોઈપણ નુકસાન કે જાનહાની થઈ નથી.