રાજકોટમાં વધુ બે અકસ્માતની ઘટના સામે આવી છે. હિટ એન્ડ રનની આ બન્ને ઘટનામાં ટ્રક અડફેટે બાઈકસવાર પ્રૌઢના મોત નીપજતા પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, બે બનાવમાં એક બનાવ રાજકોટ નજીક લાપાસરી રોડ પર જયારે બીજી ઘટના શાપર નજીક બની હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ શહેરમાં લાપાસરી રોડ પર બેકબોન ભરડીયાની સામે રહેતાં અને માલઢોર ચરાવતા વૈદરાજભાઈ કાળુભાઈ માલાણી (ઉ.વ.43) ગઈકાલે બપોરનાં સમયે વાહન લઈને જતા હતા. ત્યારે 2.30 વાગ્યાની આસપાસ લાપાસરી રોડ પર ગૌશાળાની પાસે ટ્રકચાલકે ઠોકરે ચડાવતાં વૈદરાજભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ સ્થળે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને તેમને લોહિ લુહાણ હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં જ દમ તોડી દેતા મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે જાણ આજીડેમ પોલીસને થતાં પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક વૈદરાજભાઈને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. તેઓ ત્રણ બહેન અને બે ભાઈમાં મોટાં હતાં. મૂળ ગોંડલ પંથકના વતની હતા અને તે પશુપાલનનો વ્યવસાય કરતા હતા. ગઈકાલે તેઓ પશુ માટેના ખોળની ગુણી લઈ ઘરે જતાં હોય ત્યારે ટ્રક ચાલકે અડફેટે લેતાં તેઓ ફંગોળાયા હતા અને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. બનાવ અંગે આજીડેમ પોલીસે અજાણ્યા ટ્રકચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.