શાપરમાં પાણીપૂરી ખાવા નીકળેલા યુવકને છરીના ઘા ઝીંકી હત્યાની કોશિશ

મૂળ બિહારના ભાગલપુરના અને હાલ શાપર-વેરાવળમાં મફતિયાપરામાં બુદ્ધનગર ખાતે ભાડાના મકાનમાં રહેતા કુમોદકુમાર ભૂદેવ મંડલ (ઉં.વ.28) દ્વારા શાપર-વેરાવળ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મુકેશભાઈ વાલજીભાઈ રાવલિયાનું નામ આપ્યું છે.

ફરિયાદમાં કુમોદે જણાવ્યું છે કે, તે કાસ્ટિંગના કારખાનામાં કામ કરે છે. અને ગત તા.18/10ના સાંજના સાતેક વાગ્યે બુદ્ધનગર તરફ પાણીપૂરી ખાવા માટે ચાલીને નીકળો હતો ત્યારે તેની જ ઓરડીની સામે રહેતો મુકેશ વાલજીભાઈ રાવલિયા તેનું બાઈક લઈને ધસી આવ્યો અને બાઈકને તેના પગ ઉપર ચડાવી દેતાં બાઈક ધ્યાનથી ચલાવવાનું કહ્યું હતું.

જે સાંભળી આ મુકેશ તેને ભૂંડી ગાળો ભાંડી ઉપરાઉપરી લાફા મારવા લાગ્યો અને તું કોણ મને કહેવા વાળો તેમ કહી વધુ બે-ચાર લાફા મારી દીધા હતા. જેથી તેણે આ મુકેશને માફી માગી આગળ ચાલીને જવાનું શરૂ કર્યું ત્યારે ફરી આ મુકેશે આડી બાઈક ઊભી રાખી નેફામાંથી છરી કાઢી તેના પેટના ભાગે મારી દીધી હતી અને કહ્યું કે, આ વિસ્તારમાં રહેવું હોય તો મારી સામે કઈ નહીં બોલવાનું જો મારી સામે હવે ક્યારેય બોલીશ તો તને પતાવી દઈશ તેમ કહી તેની બાઈક લઈને મુકેશ જતો રહ્યો હતો. યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *