રાજકોટ જિલ્લાના શાપર વિસ્તારમાંથી વિદેશમાં નોકરીના સપના જોનાર સાળા-બનેવી અને તેમની પત્નીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સારી નોકરી અપાવવાનો વિશ્વાસ અપાવી કુલ રૂ.10.53 લાખ પડાવી લીધા બાદ વિદેશમાં નિરાધાર છોડી દીધા હતા.
શાપરના બુધ્ધનગરમાં રહેતા રવિભાઈ જીવાભાઈ પરમારએ શાપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ત્રંબા સ્થિત બી.જે. ગરૈયા મેડિકલ કોલેજમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી વિદેશ જઈ નોકરી કરીને કમાણી કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન તેમના સાળા અલ્પેશભાઈ ચાવડાએ પણ સાથે જવાની તૈયારી દર્શાવી હતી.
બંનેએ એજન્ટની શોધખોળ દરમિયાન સુરતના રમેશ રાઠોડનો સંપર્ક કર્યો હતો, જેણે શરૂઆતમાં રશિયામાં નોકરી અપાવવાનો દાવો કર્યો હતો. બાદમાં વિઝા ન મળતા મકાઉમાં વિઝા ફ્રી હોવાની વાત કરી, ત્યાં પહોંચતા જ નોકરી અપાવવાનો ભરોસો આપ્યો હતો. એક વ્યક્તિ દીઠ રૂ.2.90 લાખ મુજબ ચારેય પાસેથી કુલ રૂ.5.67 લાખથી વધુ રકમ મેળવી ફ્લાઇટ ટિકિટ અને ટુરિસ્ટ વિઝા કરાવી દીધા હતા.
એજન્ટના વિશ્વાસમાં આવી ચારેય લોકો દિલ્હી-બેંગકોક માર્ગે મકાઉ પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પહોંચતા જ હકીકત સામે આવી. એજન્ટે બાકી રહેલા પૈસા માંગ્યા અને “પેમેન્ટ પૂરું કરો પછી નોકરી મળશે” કહી દીધું. જ્યારે પીડિતોએ ત્યાં કોઈ પ્રતિનિધિ મોકલવા કે લોકેશન આપવા વિનંતી કરી ત્યારે આરોપીએ “તમે તમારી રીતે જ ગોઠવી લો” કહી ફોન કાપી નાખ્યો અને બાદમાં મોબાઈલ બંધ કરી દીધો હતો. વિદેશમાં નોકરી અપાવવાની લાલચમાં આવી છેતરપિંડીના બનાવો વધતા જતા હોવાના કારણે પોલીસે લોકોને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે.