શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં ચાંદીના વેપારી યુવક તેમજ બેડી ચોકડી પાસે ફાર્મહાઉસમાં કામ કરતા 33 વર્ષીય અને થાેરાળામાં 40 વર્ષીય યુવક જ્યારે મોચીનગરમાં આધેડનું અને ભગવતીપરામાં મહિલાનું હૃદય બેસી જતાં મોત નીપજ્યા હતા. બનાવને પગલે તેના પરિવારમાં શોક છવાયો છે.
જાણવા મળતી વિગતો મુજબ સંત કબીર રોડ પર બ્રાહ્મણિયાપરામાં રહેતા અને ચાંદી કામના વેપારી પારસભાઇ દેવજીભાઇ ગઢિયા (ઉ.40) તેના ઘેર હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે પરિવારમાં ગમગીની છવાઇ છે. મૃતક એક બહેનથી નાના અને પરિવારમાં આધાર સ્થંભ હોવાનું પરિવારે જણાવ્યું હતું. જ્યારે બીજા બનાવમાં મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં બનેવી સાથે રહેતા અને મૂળ યુપીના રામપ્રસાદ નુરાનીકુમાર ગૌતમ (ઉ.33) બેડી ચોકડીથી માલિયાસણ વચ્ચે આવેલા ફાર્મહાઉસે કલર કામ કરતા હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા તેને હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું મોત નીપજ્યું હતું.