શહેરમાં વધુ 85 બિલ્ડિંગોમાં ચેકિંગ : 70ને નોટિસ

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગ લાગ્યા બાદ મહાનગરપાલિકાની ફાયર શાખાએ બે દિવસથી ફાયર એનઓસી અને ફાયરના સાધનો વર્કિંગ કન્ડિશનમાં છે કે કેમ? તે મુદ્દે તપાસ હાથ ધરી છે અને તેમાં મનપાના તંત્ર જેટલી જ બેદરકારી હાઇરાઇઝ એપાર્ટમેન્ટના રહીશોની સામે આવી છે. મનપાની ફાયર શાખાની આઠ ટીમોએ મંગળવારે 85 બિલ્ડિંગની વિઝિટ લીધી હતી અને તેમાં વધુ 70 એપાર્ટમેન્ટના વહીવટકર્તાઓને નોટિસ આપી છે. આમ બે દિવસમાં મનપાની ફાયરશાખાએ કુલ 144 હાઇરાઇઝ બિલ્ડિંગને નોટિસ ફટકારી છે.

એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગની દુર્ઘટના બાદ સોમવારથી ફાયરશાખા અને ટીપી શાખાને ચેકિંગના આદેશ કરાયા છે અને તેના પગલે ફાયરશાખાની આઠ ટીમો દ્વારા સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં સોમવારે 95 અને મંગળવારે 85 હાઇરાઇઝ બિલ્ડિંગોની વિઝિટ કરાઇ હતી. સોમવારે 74ને અને મંગળવારે 70ને નોટિસ આપવામાં આવી છે. ફાયરશાખા દ્વારા સૌપ્રથમ હાઇરાઇઝ બિલ્ડિંગમાં ફાયર એનઓસી છે કે નહી તેની ચકાસણી કર્યા બાદ જો એનઓસી હોય તો ફાયર સિસ્ટમ વર્કિંગ કરે છે કે નહી તેની ચકાસણી કરાય છે અને તે વર્કિંગ ન કરતી હોય તેવા કિસ્સામાં પણ નોટિસ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *