રાજકોટ શહેરમાં આ વર્ષે આકરી ગરમી પડી હતી. વરસાદ ખેંચાતા લોકોને વધુ અકળામણ થઈ હતી. રવિવારે બપોરના સમયે બફારાની સાથે આકરો તાપ પડ્યો હતો અને મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી સેલ્શિયસ સુધી પહોંચી ગયું હતું. જો કે સાંજે 5.30 કલાક આસપાસ વાદળો છવાયા અને છાંટા પડ્યા હતા અને 6 વાગ્યે ધોધમાર વરસાદ પડતા ઠંડક પ્રસરી ગઈ હતી.
એક કલાક સુધી વરસાદ વરસતા શહેરના મુખ્યમાર્ગો પર પાણી વહેતા થઈ ગયા હતા. સાંજના 8 સુધી છાંટા પડ્યા હતા અને સિઝનનો પહેલો એક ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે પવનને કારણે કોટેચા ચોક તેમજ રૈયા ચોકડીની આસપાસના વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા તેમજ વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. જો કે ઉનાળાની તપતી ગરમી બાદ ટાઢક આપતો વરસાદ આવતા લોકોએ આ તમામ બાબતો અવગણી હતી અને બાળકોએ પણ રવિવારની રજા વરસાદમાં માણી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ લોકલ ફોર્મેશનનો વરસાદ હતો આગામી ત્રણ ચાર દિવસ આ જ રીતે બપોર સુધી તડકો અને સાંજ વરસાદની શક્યતા છે. નેઋત્યનું ચોમાસુ હાલ દક્ષિણ ગુજરાતથી આગળ વધ્યું છે અને સૌરાષ્ટ્રમાં શ્રીકાર વરસાદ માટે હજુ એક સપ્તાહથી માંડી 10 દિવસ જેટલો સમય લાગશે.