શહેરમાં બપોરે-રાત્રે ઝાપટું, 3 કલાકમાંતાપમાન 37.8થી ઘટીને 29 ડિગ્રી થયું

સોમવારે સુરેન્દ્રનગર, કચ્છ, ભાવનગર, રાજકોટ સહિતના જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ચોટીલામાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. રાજકોટમાં સોમવારે આવેલા ઝાપટાંથી રસ્તા પણ ક્યાંક પાણી વહ્યા હતા તો ક્યાંક કરા પડ્યાનું પણ જાણવા મળ્યું છે. બપોરે 2.30 કલાકે રાજકોટનું તાપમાન 37.8 ડિગ્રી નોંધાયું હતું જે માત્ર 3 જ કલાકમાં એટલે કે સાંજે 5.30 કલાકે 8.8 ડિગ્રી ઘટીને 29 ડિગ્રી થઇ ગયું હતું. રાજકોટમાં સોમવારે બપોરે બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને હવામાન વિભાગની આગાહી મુજબ વાદળછાયા વાતાવરણ બાદ શહેરના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદનું ઝાપટું વરસ્યું હતું. આ ઉપરાંત રાત્રે 11:45 વાગ્યા બાદ ફરી વરસાદ શરૂ થયો હતો. જેમાં શહેરના કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, મવડી, નાનામવા અને રેસકોર્સ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા.

એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન, પંજાબ નજીકના વિસ્તારો અને ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર 3.1થી 9.4 કિમી ઊંચાઈએ UAC (અપર એર સર્ક્યુલેશન) તરીકે સક્રિય છે. નોર્થ ઇસ્ટ અરબી સમુદ્રના ઉત્તરપૂર્વ ભાગ અને નજીકના ગુજરાત કાંઠે આશરે 0.9 કિમી ઊંચાઈએ ઉપરની હવામાં UAC હજુ સક્રિય છે. ઉત્તર પાકિસ્તાન ઉપર આવેલું UAC દક્ષિણ તરફ ખેંચાઈ ઉત્તર પશ્ચિમ રાજસ્થાન તરફ અને ત્યાંથી દક્ષિણ રાજસ્થાન તરફ ખસી જશે. એમાંથી એક ટ્રફ દક્ષિણ પશ્ચિમ તરફ લંબાશે ને ઉત્તર પૂર્વ અને મધ્ય અરબી સમુદ્ર સુધી વિસ્તરે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં 4થી 10 મે દરમિયાન પવન મુખ્યત્વે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફથી, કેટલીક વખત દક્ષિણ તરફથી રહેશે. 6થી 9 મે દરમિયાન વાતાવરણની અસ્થિરતાને હિસાબે પવન દિશામાં ફેરફાર થયા રાખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *