રાજકોટ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા સહિતના કેસ જોવા મળ્યા છે તેમજ કુલ 1367 કેસ વિવિધ રોગના નોંધાયા હતા, તો આરોગ્ય વિભાગે પણ રોગચાળા સામે અસરકારક કામગીરી કર્યાનો દાવો કર્યો હતો.મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, તા.11 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધીમાં મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ સહિતના કેસ નોંધાયા છે, ચાલુ વર્ષમાં શરદી-ઉધરસના 23799, તાવના 24947, ઝાડા-ઊલટીના 6573 સહિતના કેસ નોંધાયા છે.
ચોમાસાની સિઝનમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ રહે છે અને તે કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનું પ્રમાણ વધી રહ્યું છે. રોગચાળા પર કાબૂ મેળવવા માટે આરોગ્યની ટીમ દ્વારા અઠવાડિયામાં 427 ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ 35705 ઘરમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે અને ફિલ્ડ વર્કરો દ્વારા 858 ઘરમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. મચ્છર ઉત્પત્તિ સબબ રહેણાકોમાં 242 અને કોમર્સિયલ 221 આસામીને નોટિસ આપવામાં આવી છે.
આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાણીજન્ય રોગથી બચવા માટે પીવાના પાણીને ઉપયોગમાં લેતા પહેલાં 20 મિનિટ સુધી ઉકાળવું જોઇએ, પીવાના 20 લિટરના પાણીમાં 1 ક્લોરિનની ગોળીનો ભૂકો નાખવો જોઇએ, ઠેરઠેર થયેલા ઉકરડાનો નાશ કરવો અને ચૂનાનો છંટકાવ કરવો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગ દ્વારા કામગીરીના દાવા કરવામાં આવી રહ્યા છે અને લોકો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી રહી છે, પરંતુ વાસ્તવિક્તા એ છેકે, શહેરમાં ઠેરઠેર ખાડાનું સામ્રાજ્ય છવાયું છે, શહેરનો એકપણ રસ્તો સારો નથી, વરસાદી પાણી દિવસો સુધી ખાડામાં ભરાયેલું રહે છે, જેને કારણે શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે.