રાજકોટ શહેરમાં અડધો ડઝનથી વધુ સ્થળે કતલખાના શરૂ કરવા મહાનગરપાલિકાએ તૈયારી શરૂ કર્યાના જીવદયાપ્રેમીઓ અને વિવિધ સમાજમાં ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો હતો અને મનપાના સત્તાધીશો પર રીતસરની તડાપીટ બોલતા જ તેઓ તાત્કાલિક ધોરણે પીછેહઠ કરી છે અને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે શહેરમાં કતલખાના ખોલવાનું કોઇ આયોજન ન હોવાની જાહેરાત કરવી પડી છે.
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.જયેશ વંકાણીએ શનિવારે વાતચીતમાં લઘુમતી વસતી વધુ હોય તેવા વિસ્તારોમાં કતલખાના શરૂ કરવા મ્યુનિસિપલ કમિશનરને દરખાસ્ત કર્યાનું જણાવ્યું હતું અને આ અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાયા બાદ તેને સત્તાવાર મંજૂરી અપાશે તેવી માહિતી આપી હતી. તેના 48 કલાક બાદ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, 2005માં આરોગ્ય શાખા અને સોલિડ વેસ્ટ શાખામાં આવી વિચારણા હતી તેવું જાણવા મળ્યું છે. હાલમાં શહેરમાં કતલખાના શરૂ કરવાનું કોઇ આયોજન નથી. મનપાના સત્તાધીશોએ હવે પોતાની પછેડી બચાવવા માટે શહેરમાં કોઇપણ સ્થળે ગેરકાયદે કતલખાના કે ગેરકાયદે નોનવેજના હાટડા ધમધમતા હોય તેના પર તૂટી પડવા આરોગ્ય વિભાગના અધિકારીઓને આદેશ કર્યો છે ત્યારે સવાલ એ ઊઠે છે કે શહેરના વિવિધ વિસ્તારોમાં ઘણા વર્ષોથી ગેરકાયદે કતલખાના અને માંસ-મટનનું વેચાણ કરતી શોપ ચાલી રહી છે અને તે સમગ્ર શહેર જાણે છે તો પણ આજદિન સુધી મહાનગરપાલિકાની આરોગ્ય શાખા કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ તેના પર શા માટે દરોડો પાડ્યો નથી?