શહેરમાં ચોમાસાની સાથોસાથ પાણીજન્ય રોગચાળો વકર્યો હતો. શહેરમાં એક સપ્તાહમાં ઝાડા-ઊલટીના 220, કમળાના 5 અને ટાઇફોઇડનો 1 કેસ નોંધાયો હતો. પાણીજન્ય રોગચાળો વધતા મનપાના આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી હતી.
મનપા આરોગ્ય વિભાગના સૂત્રોએ ગત તા.16થી 22 દરમિયાન શહેરમાં રોગચાળાના 1821 કેસ નોંધાયાનું જાહેર કર્યું હતું. જેમાં શરદી-ઉઘરસના 703, સામાન્ય તાવના 891, ઝાડા-ઊલટીના 220, ટાઇફોઇડના 1, કમળાના 5 અને મચ્છરજન્ય રોગચાળા ડેન્ગ્યુનો 1 કેસ નોંધાયો હતો. ચોમાસામાં પાણીજન્ય રોગ જેવા કે ઝાડા-ઊલટી, મરડો, કોલેરા, ટાઇફોઇડ અને કમળાની બીમારી થવાનું વધુ જોખમ રહેતું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સપ્તાહ દરમિયાન 50,753 ઘરમાં પોરાનાશક કામગીરી કરાઈ હતી તથા 198 ઘરમાં ફોગિંગ કરાયું હતું. મચ્છર ઉત્પત્તિ સબબ રહેણાકમાં 109 અને કોમર્સિયલ 190 આસામીને નોટિસ આ૫વામાં આવેલ છે.