રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાએ તા.18થી 27 સુધી એમ 10 દિવસ દરમિયાનમાં શહેરના બ્યુટીફિકેશન બગાડતા 1347 બોર્ડ-બેનરો જપ્ત કર્યા હતા તેમજ કમાન-છાજલીના ભાડા પેટે રૂ.2,93,790નો વહીવટી ચાર્જ વસૂલ્યો હતો. આ ઉપરાંત જાહેર માર્ગ પર દબાણ રૂપ એવી 58 રેંકડી તથા કેબિનો પણ જપ્ત કરી હતી. તેમજ 4039 કિલો શાકભાજી અને ફળો જપ્ત કર્યા હતા.
મનપાની દબાણ હટાવ શાખા દ્વારા કોઠારિયા સોલવન્ટ, કોઠારિયા મેઈન રોડ, સાંઈબાબા સર્કલ, જ્યુબિલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ, મવડી મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી પાસેથી રસ્તા પર નડતરરૂપ 58 રેંકડી તથા કેબિન જપ્ત કરવામાં આવી હતી. પારેવડી ચોક, પાંજરાપોળ હોકર્સ ઝોન, પેડક રોડ, કુવાડવા રોડ, આનંદ બંગલા ચોક, અર્ટિકા, રવિરત્ન પાર્ક, જામનગર રોડ, કોર્ટ ચોક, ગાયત્રીનગર, હોસ્પિટલ ચોકડી, રૈયાધાર, નાણાવટી ચોક, પંચાયત ચોક, ગોવિંદબાગ, નાનામવા મેઈન રોડ પરથી જુદી જુદી અન્ય 411 પરચૂરણ ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. કોઠારિયા રોડ, સંત કબીર રોડ, જંક્શન રોડ, જ્યુબિલી, પંચાયત ચોક, રામાપીર ચોકડી, માધાપર રિંગ રોડ, લક્ષ્મીનગર નાળા પાસેથી 4039 કિલો શાકભાજી અને ફળોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.