રાજકોટમાં ચોમાસાની ઋતુનાં કારણે રોગચાળો વકરી રહ્યો છે. જેમાં શરદી-ઉધરસ-તાવ અને ઝાડા-ઉલટી સહિતનાં રોગનાં 2,121 દર્દી નોંધાયા છે. પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો પીછો છોડવા તૈયાર ન હોય તેમ દર્દીઓ સતત સામે આવી રહ્યા છે. લાંબા સમયથી મનપા દ્વારા પાણીજન્ય રોગચાળો અટકાવવા પ્રયાસ કરવામાં આવતા હોવા છતાં સતત છુટાછવાયા કેસો સામે આવી રહ્યા છે. ગત સપ્તાહે પણ મનપાનાં ચોપડે કમળાનાં 3 દર્દીઓ અને ટાઇફોઇડનો વધુ 2 કેસ સહિત વિવિધ રોગના મળીને કુલ 2,121 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. અને રોગચાળો અટકાવવા ક્લોરીનેશન વધારવા, પીવાનું અને ગટરનું પાણી મિક્સ થાય નહીં તે માટે પગલાં લેવાનું શરૂ કર્યું છે.
વિવિધ રોગોનાં 2,121 કેસ પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 2,121 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં 762 કેસ, ઝાડા-ઉલટીનાં 324 કેસ, સામાન્ય તાવનાં 1028 કેસ નોંધાયા છે. અને સતત 23માં સપ્તાહે પણ જોખમી ગણાતા ટાઇફોઇડ તાવનાં 2 કેસ અને કમળાનાં પણ વધુ 3 કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 2 કેસ નોંધાયા હતા. જ્યારે ચિકન ગુનિયાનો કોઈ કેસ નોંધાયો નથી. જોકે આંકડાઓ માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે જો નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈએ તો દર્દીનો કુલ આંકડો 10,000 કરતા પણ વધુ હોવાની શક્યતા છે.
મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, હાલ વરસાદની ઋતુ ઉપરાંત પાણીમાં મોટા ભાગે કન્ટામિનેશનની ફરિયાદો આવતી હોય છે. ઉપરાંત જોવા જઈએ તો હિપેટાઇટિસ એટલે કે કમળા કેસ ઉપરાંત ટાઇફોઇડના કેસ છૂટાછવાયા વિસ્તારોમાં અમુક નોંધાઈ રહ્યા છે. જ્યાં હાલ કન્ટામિનેશનની પાણીની ફરિયાદો આવી રહી છે તે વિસ્તારોમાં છૂટાછવાયા કેસ નોંધાતા હોય છે. અમારી ટીમ દ્વારા દૈનિક દરેક કેસનું ટ્રેકિંગ કરે છે. અને ખાસ કરીને પીડીયુ મેડિકલ કોલેજની ખાસ ટીમની મદદથી પણ આ બાબતે કારણો અંગેની ચર્ચા-વિચારણા કરીને સચોટ માર્ગદર્શન મેળવવામાં આવે છે અને એનુંસંધાને કાર્યવાહી હાલ કરવામાં આવે છે.