રાજકોટમાં રોગચાળો સતત વકરી રહ્યો હોય તેમ હાલ વાયરલ ઇન્ફેક્શનનાં કેસોમાં ખાસ્સો વધારો થયો છે. જેમાં શરદી-ઉધરસનાં કેસોમાં મોટો ઉછાળો નોંધાયો છે. બીજીતરફ મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો સતત યથાવત છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો ઉપરાંત મચ્છરજન્ય ડેંગ્યુનાં કેસોમાં પણ યથાવત જોવા મળી રહ્યાં છે. મનપાનાં ચોપડે સપ્તાહમાં શરદી-ઉધરસનાં 1248 અને સામાન્ય તાવના 790 કેસ, ડેંગ્યુનાં 3 અને કમળાનાં 4 સહિત વિવિધ રોગના 2228 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આરોગ્ય વિભાગે મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ફોગીંગ અને પાણીજન્ય રોગચાળો અટકાવવા જે વિસ્તારોમાંથી કેસ સામે આવતા હોય તેવા વિસ્તારોમાં ક્લોરીનેશન અંગેની કામગીરી શરૂ કરી છે.
પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા હતાં અને લાંબી-લાંબી કતારો જોવા મળી હતી. અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં ગત સપ્તાહના 2,100 સામે ચાલુ સપ્તાહે 2,228 કેસ નોંધાયા છે. જેમાં શરદી- ઉધરસનાં 1248 કેસ, ઝાડા-ઉલટીનાં 180 જેટલા કેસ, સામાન્ય તાવનાં 790 કેસ નોંધાયા હતા. અને જોખમી કમળાનાં પણ વધુ 4 કેસ અને ટાઇફોઇડનાં પણ વધુ 2 કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 3 અને મેલેરિયાનો 1 કેસ નોંધાયો છે. જોકે આંકડાઓ માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈ તો દર્દીનો કુલ આંકડો 9,500 કરતા વધુ હોવાની શક્યતા છે.