શહેરમાં મારામારીની વધુ બે ઘટના સામે આવી છે. જેમાં ચાની હોટેલે બેઠલા યુવકે પાણી ભરવાની ના પાડતાં પરિચિત અને તેના સાથીએ લોખંડના પાઇપથી ફટકાર્યો હતો. તેવી જ રીતે નેહરુનગર મેઈન રોડ ગુરુકૃપા સોસાયટીમાં બહાર બેઠલા પાડોશીઓને એક્ટિવામાં આવેલા ત્રણ શખ્સે કોઈ કારણ વગર લાકડીથી માર માર્યો હતો. બંને બનાવ અંગે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ, લક્ષ્મીવાડી ક્વાર્ટરમાં રહેતા મયૂર મનોજભાઈ ચૌહાણ (ઉં.વ.23) દ્વારા ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઋષભ મેવાડા અને તેની સાથે આવેલ બે અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.
યુવકે ફરિયાદમાં જણાવ્યું છે કે, શનિવારે રાત્રીના આઠ વાગ્યે પોતે પવનપુત્ર ચોક પાસે આવેલ મોમાઈ ચાની હોટેલે હતો ત્યારે આરોપી ઋષભ મેવાડા અહીં આવ્યો હતો અને મયૂરને પાણી ભરી આપવા કહ્યું હતું. જેથી મયૂરે પાણી આપવાની ના પાડી હતી ત્યારબાદ પોતાનું ટૂ વ્હિલર લઈને ગુંદાવાડી તરફ જતો હતો તે દરમિયાન પાછળથી બાઈક પર આવીને ઋષભને માથાના ભાગે લોખંડનો પાઇપ ઝીંકી દીધો હતો.
મયૂરને બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મિત્રો દ્વારા તેને ઋષભ મેવાડાએ હુમલો કર્યો હોવાની જાણ થઈ હતી. અને ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.