શંખેશ્વરના છરી પાલિત સંઘનું જૂનાગઢમાં પદાર્પણ, સ્વાગત કરાયું

જૂનાગઢ તીર્થધામ અને તપોધામથી સુપ્રસિદ્ધ છે. પાલીતાણા એ તીર્થધામ છે. જ્યારે ગિરનાર તીર્થધામ અને તપોધામ છે. ત્યાગી, તપસ્વી અને સંતોની સાધનાથી ગિરનાર તીર્થ વિશ્વ પ્રસિદ્ધ બન્યું છે.

શંખેશ્વર તીર્થથી ગિરનાર તીર્થનો 500થી અધિક ભાવિકોનો છરી પાલિત વિશ્વ જૈન સંઘ જૂનાગઢ આવી પહોંચતા જૈન સંઘે તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જૂનાગઢના હેમાભાઈ વંડાના વિશાળ આરાધના ભવનમાં સંઘપતિઓનું જૂનાગઢ જૈન સંઘ તરફથી બહુમાન કરવામાં આવ્યું હતું.

આ પાવન પ્રસંગે જૈનાચાર્ય ચન્દ્રજિતસૂરિ અને પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયએ વિરાટે ધર્મસભાને સંબોધી હતી અને જણાવ્યું હતું કે ભૌતિક્તા એ ધરતી છે અને અધ્યાત્મ એ આકાશ છે. ધરતીની મર્યાદા છે જ્યારે આકાશ અમર્યાદ છે. ઉડ્ડયન કરવા માટે આકાશ છે. માનવભવ ઉડ્ડયન ભરવા માટે મળ્યું છે. ગિરનાર એ તપોભૂમિ છે. જૂનાગઢ જૈન સંઘનું એટલું જ સદભાગ્ય છે. હિમાંશુસૂરિએ આ જ ધરતી ઉપર અંતિમ શ્વાસ લીધા. દામોદર કુંડથી જૈન સંઘનું તળેટી સુધી ભવ્ય સામૈયું થયું હતું. સમગ્ર ભારતભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. જૈનાચાર્ય હેમવલ્લભસૂરિના ભીષ્મ આયંબિલ તપનાં કારણે માત્ર જૈનો જ નહીં પણ અજૈનો પણ મેગ્નેટીકની જેમ ખેંચાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *