ગોંડલમાં વ્યાજે નાણાં આપ્યા બાદ પઠાણી ઉઘરાણી ચાલુ રાખવાનો અને 13 લાખ વસૂલ્યા પછી પણ જમીનનું સાટાખત કરાવી લીધાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં મોવિયાના ખેડૂતે ગોંડલના વ્યાજખોર સામે પોલીસમાં ફરીયાદ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના મોવિયા ગામે ગોવિંદનગર કન્યાશાળા પાસે રહેતા અને ખેતી કામ કરતા ચંદુભાઈ સવજીભાઈ રાદડીયાએ આરોપી માવજી છગનભાઇ કોટડીયા રે. યમુનાકુંજ કૈલાશબાગ તક્ષશીલા સોસાયટી નવરંગ ડેરીવાળી શેરી ગોડલ સામે ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.
ફરિયાદમાં જણાવ્યા હતું કે તેણે પાંચેક વર્ષ પૂર્વે આરોપી પાસે એક લાખ ૪ ટકા વ્યાજે લીધા હતા અને બદલામાં આરોપીએ ફરિયાદી પાસેથી કોરો ચેક લઇ લીધો હતો અને ત્યારબાદ ફરિયાદીને વધુ નાણાની જરૂરીયાત પડતા અલગ-અલગ સમયે આરોપી પાસેથી 6,50 લાખ વ્યાજે લીધા હતા અને તેનું ૧૩ લાખ વ્યાજ ભરી આપ્યું હોવા છતાં આરોપી વધુ વ્યાજની ઉઘરાણી માટે ધાક-ધમકી આપતા ફરિયાદી પાસે રૂપિયા ન હોય આરોપીએ વ્યાજે આપેલા નાણાની અવેજમાં ફરિયાદીની ખેતીની જમીનનુ સાટાખત કરાવી લીધુ હતું. અને ચડત વ્યાજ સહિતના નાણા પરત આપવા ધમકી આપતો હોવાનું જણાવ્યું હતું. આથી આ ફરિયાદ અન્વયે ગોંડલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.