શહેરમાં વ્યંડળ સાથે રહેતા યુવકને સમલૈંગિક સંબંધ માટે બોલાવી બે શખ્સે અવાવરુ સ્થળે લઇ જઇ મારકૂટ કરી મોબાઇલ અને રોકડ મળી રૂ.11 હજારની મતાની લૂંટ ચલાવી નાસી ગયાની ફરિયાદ કરતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી બે આરોપીને સકંજામાં લઇ વિશેષ કાર્યવાહી કરી હતી.
રાજકોટમાં વ્યંડળ સાથે રહેતા યુવકે ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે રુદ્ર ગોસ્વામી અને રાજદીપ ગોસ્વામીના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને સમલૈંગિક સંબંધ માટેની હીશે નામની એપ્લિકેશન મારફતે બે દિવસ પહેલાં રુદ્રના પરિચયમાં આવ્યો હતો. બાદમાં બન્ને વાતચીતો કરતા હતા. તા.20ના રોજ રુદ્રનો સમલૈંગિક સંબંધ માટે ફોન આવ્યો હતો. જેથી તેને હા પાડતા તેને બસ સ્ટેન્ડે બોલાવ્યો હતો. જેથી તે ત્યાં જતા રુદ્ર સાથે આવેલા રાજદીપ ગોસ્વામી મિત્ર હોવાનું કહી ઓળખ કરાવી હતી. બાદમાં તે ત્રણ સવારીમાં બાઇકમાં બસ સ્ટેન્ડથી કટારિયા ચોકડી થઇને મુંજકા ચોકડી તરફ જતા અવાવરુ ખુલ્લા મેદાનમાં લઇ જઇને બાઇક ઊભું રાખ્યું હતું. બાદમાં રાજદીપ બાઇકમાંથી ઉતરીને ‘મારા ભાઇ રુદ્રને આવા મેસેજ કેમ કરે છે,’ કહી મારકૂટ શરૂ કરી હતી. બાદમાં બન્ને શખ્સે માર મારી તેની પાસેનો મોબાઇલ તેમજ તેના ખિસ્સામાંથી રૂ.એક હજારની રોકડ સહિત રૂ.11 હજારની મતાની લૂંટ ચલાવી તેને ફરી બાઇકમાં બેસાડી કટારિયા ચોકડી તરફ નીકળ્યા હતા. તે દરમિયાન બાઇકની સ્પીડ ઓછી થતા તેને ચાલુ બાઇક પરથી છલાંગ લગાવી હતી. બાદમાં બન્ને લોકોની અવર-જવર હોય નાસી ગયા હતા.