જામકંડોરણા ખાતે ફૂલડોલ ઉત્સવને લઈ વૈષ્ણવ સમાજમાં ધાર્મિક ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. તા.21ના રોજ મદાણી પરિવાર દ્વારા વૈષ્ણવ સમાજ વિસ્તારમાં અને તા.22ના રોજ બાદલા પરિવાર દ્વારા કિશાનપ્લોટ વિસ્તારમાં ફૂલડોલ ઉત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો હતો. બંને પ્રસંગે વૈષ્ણવ ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને રાસોત્સવ તથા પ્રસાદનો લ્હાવો લીધો હતો.
આગામી કાર્યક્રમોને લઈ પણ તૈયારીઓ તેજ બની છે. તા.26ના રોજ સર્વોત્તમ હવેલી તથા મોટી ડેલી વિસ્તારમાં ફૂલડોલ રાસોત્સવનું આયોજન થનાર છે, જ્યારે તા.28ના રવિવારે ગોકુલધામ ખાતે સાકરીયા વૈષ્ણવ પરિવાર દ્વારા પરંપરાગત રીતે ફૂલડોલ ઉત્સવ ઉજવાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાસના રંગમાં વૈષ્ણવો રંગાય તેવી શક્યતા છે.
કાર્યક્રમ દરમિયાન બાવાશ્રીના વચનામૃતનો લાભ ભાવિકોને મળશે અને અંતે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે. ફૂલડોલ ઉત્સવને કારણે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું છે અને વૈષ્ણવ સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો છે.