વૈશ્વિક વેપારમાં ભારતનું દમદાર વર્ચસ્વ! 2005 બાદ નિકાસમાં હિસ્સો બમણો થયો

ભારત હવે વૈશ્વિક વેપારમાં પણ પગદંડો જમાવી રહ્યું છે. છેલ્લા બે દાયકા દરમિયાન વૈશ્વિક વેપારમાં પણ ભારતે પોતાનું સામર્થ્ય સાબિત કરતા નોંધપાત્ર ગ્રોથ દર્શાવ્યો છે. ભારતનો આયાત તેમજ નિકાસ બંનેમાં હિસ્સો આ સમય દરમિયાન બમણો વધ્યો છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જના રિપોર્ટ અનુસાર વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો 2005ના 0.9%થી વધીને 2023માં 1.8% નોંધાયો છે, જ્યારે સેવા નિકાસમાં તેનો હિસ્સો 2%થી બમણાથી વધુ વધીને 4.3% નોંધાયો છે. દેશનો નિકાસમાં હિસ્સો વર્ષ 2005ના 1.2%થી વધીને 2023માં 2.4% થયો છે. મજબૂત વેપાર કરાર, વૈવિધ્યસભર નિકાસ પોર્ટફોલિયો, લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો અને મેક ઇન ઇન્ડિયા કેમ્પેઇન અને પ્રોડક્શન લિન્કડ ઇન્સેન્ટિવ સ્કીમ જેવી સરકારી પહેલને કારણે આ ગ્રોથ શક્ય બન્યો છે.

દેશનું સેવા નિકાસમાં પ્રદર્શન વસ્તુઓની નિકાસ કરતાં પણ વધુ રહ્યું છે. વસ્તુઓની નિકાસમાં ભારતનો વૈશ્વિક સ્તરે 16મો ક્રમાંક છે જ્યારે સેવા નિકાસમાં સાતમો ક્રમાંક છે. તે ઉપરાંત વૈશ્વિક આયાતમાં પણ ભારતનો હિસ્સો વધ્યો છે. વસ્તુઓની આયાત વર્ષ 2005ના 1.3%થી વધીને વર્ષ 2023માં 2.8% રહી હતી, જ્યારે સેવા આયાત પણ 2.4%થી વધીને 3.4% રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *