શહેરમાં અકસ્માતની ઘટના સતત વધી રહી છે. અકસ્માત માટે નાના અને ખાડા-ખરબચડાવાળા રસ્તા કારણભૂત છે સાથે લોકોમાં ટ્રાફિક સેન્સનો અભાવ પણ મહત્ત્વની બાબત છે. વૈશાલીનગર નજીક બે સ્કૂટર વચ્ચે અકસ્માત થયો હતો. બંને વાહનના ચાલક સગીર હતા. અકસ્માત સર્જનાર સ્કૂટરચાલક સગીર હોવાથી તેના પિતા સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.
શહેરના રૈયા રોડ પરના નેહરુનગરમાં રહેતા શકીલભાઇનો 16 વર્ષનો પુત્ર ગત તા.3ના સ્કૂટર ચલાવીને જતો હતો અને વૈશાલીનગર પાસે પહોંચ્યો હતો ત્યારે સામેથી પૂરપાટ ઝડપે ધસી આવેલું સ્કૂટર ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતમાં શકીલભાઇનો પુત્ર સ્કૂટર પરથી ફંગોળાયો હતો અને તેના દાંત પડી ગયા હતા. ઘટનાને પગલે લોકો એકઠા થઇ ગયા હતા અને અકસ્માત સર્જનાર સ્કૂટરચાલક પણ સગીર હતો.
અકસ્માત વખતે ઘવાયેલા 16 વર્ષના સગીરને હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ મામલે અંતે ઘવાયેલા સગીરના પિતા શકીલભાઇએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અકસ્મતા સર્જનાર માધાપર પાસેના રાધે પાર્કમાં રહેતા રસિકભાઇના 17 વર્ષના પુત્ર સામે બેફિકરાઇથી વાહન ચલાવી અકસ્માત સર્જવાનો ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત પોતાનો પુત્ર સગીરવયનો હોય તે ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતો નથી તે જાણવા છતાં તેને સ્કૂટર આપનાર રસિકભાઇને પણ પોલીસે આરોપી બનાવ્યા હતા.